અમદાવાદ:પતિ અને દીકરાઓને દારૂ-ગાંજાની લતમાંથી છોડાવવા મહિલાઓએ કાઢી રેલી

21 May, 2019 07:51 AM IST  |  અમદાવાદ

અમદાવાદ:પતિ અને દીકરાઓને દારૂ-ગાંજાની લતમાંથી છોડાવવા મહિલાઓએ કાઢી રેલી

રેલી

દારૂનો બાટલો, મોતનો ખાટલો. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગઈ કાલે અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં દારૂની બદીથી કંટાળીને નાનાં બાળકો અને મહિલાઓએ આ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગરીબ વર્ગની મહિલાઓ પોતાના પતિ અને દીકરાઓને લાગેલી દારૂ-ગાંજાની લતમાંથી છોડાવવા માટે મેદાને પડી હતી, એટલું જ નહીં, પરંતુ અમદાવાદના પૉશ વિસ્તાર સૅટેલાઇટમાં પોલીસ-સ્ટેશનની સામે જ વેચાતા દારૂ-ગાંજા અને એની બદી સામે મહિલાઓ રણચંડી બની હતી. પોલીસ-ઇન્સ્પેક્ટરની હાજરીમાં ગઈ કાલે મહિલાઓએ રૅલી કાઢી, સૂત્રોચ્ચાર-દેખાવો કરી દારૂ-ગાંજાના બેરોકટોક વેચાણ સામે અવાજ ઉઠાવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આ પણ વાંચો : સુરત: રાષ્ટ્રપિતાનું હડહડતું અપમાન, ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઊજવાયો

અમદાવાદના રામદેવનગરમાં બેરોકટોક દારૂ અને ગાંજાના વેચાણે માઝા મૂકી છે અને સામાન્ય વર્ગના નાગરિકો આ બદીમાં ઘૂસી જતાં તેમની ફૅમિલી હેરાન-પરેશાન થઈ રહી છે. ખાસ કરીને મહિલાઓએ બહુ સહન કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે રામદેવનગરમાં રહેતી મહિલાઓ એકઠી થઈ હતી અને તેમના વિસ્તારમાંથી દારૂ અને ગાંજાની બદી દૂર કરવા કમર કસી હતી. ગઈ કાલે સાંજે વિચરતા સમુદાય સમર્થન મંચ અને સ્થાનિક મહિલાઓએ રામદેવનગરમાં પોતાના પરિવારજનોને દારૂ-ગાંજાની બદીમાંથી છોડાવવા માટે જનજાગૃતિ ફેલાવવાના ભાગરૂપે રામદેવનગરમાં રૅલી યોજી હતી અને બૅનરો સાથે દેખાવો કર્યા હતા.

gujarat ahmedabad