અમદાવાદઃ142મી રથયાત્રા થઈ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, રથ પરત ફર્યા નિજમંદિર

04 July, 2019 11:00 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ142મી રથયાત્રા થઈ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, રથ પરત ફર્યા નિજમંદિર

142મી રથયાત્રા થઈ સંપન્ન

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થઈ ગઈ છે. આ વખતે રથયાત્રામાં કોઈ વિઘ્ન નથી આવ્યું. સવારે નગરચર્યાએ નીકળેલા નાથ નિજ મંદિરે પરત ફર્યા છે. રથયાત્રા શાંતિથી પૂર્ણ થતા પ્રશાસન અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. અષાઢી બીજના પાવન અવસર પર નાથ નગરજનોને દર્શન આપવા માટે બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નીકળ્યા હતા. અમદાવાદીઓને દર્શન આપીને નાથ આખરે નિજ મંદિરે પધાર્યા છે.

રથ આખી રાત રહેશે મંદિરની બહાર
જગત આખાના નાથ નિજ મંદિર તો પહોંચી ગયા છે પરંતુ તેમને મંદિરમાં જવા નહીં મળે. પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યા કરીને પાછા ફર્યા તો તેમના પટરાણી રૂક્મિણીજી તેમનાથી નારાજ થઈ ગયા હતા. જેથી તેમને આખી રાત બહાર જ રહેવું પડ્યું હતું. આ જ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્રણેય રથ આખી રાત મંદિરના પરિસરમાં રહે છે. ત્રીજના દિવસે સવારે મંગળા આરતી થાય છે ત્યારે ભગવાન ભાઈ અને બહેન સાથે મંદિરમાં બિરાજે છે.

એસ. જયશંકર કરશે મંગળા આરતી
શુક્રવારે વહેલી સવારે થનારી મંગળા આરતીમાં વિદેશ મંત્રી અને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર એસ. જયશંકર હાજરી આપશે. મહત્વનું છે કે શુક્રવારે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન છે. જેમાં ભાજપ તરફથી એસ. જયશંકર ઉમેદવારી કરી રહ્યા છે.

હજારો ભક્તોએ કર્યા દર્શન
નગરચર્યાએ નીકળેલા નાથની અમી દ્રષ્ટિ મેળવવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. 142 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભગવાને રજવાડી વેશમાં દર્શન આપ્યા હતા. સોનાના હિરા-માણેક જડેલા મુકુટ સાથેને શણગારમાં ભગવાન દૈદિપ્યમાન લાગી રહ્યા હતા. જેમા દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા.

આ પણ વાંચોઃ Rathyatra: ગજરાજ, અખાડિયનો અને ટેબ્લોથી આવી રીતે શોભી રહી છે રથયાત્રા

PM મોદીએ મોકલી પ્રસાદી
142મી રથયાત્રાના પ્રસંગે વડાપ્રધા મોદીએ રથયાત્રા માટે મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ મોકલ્યો હતો. જે મંદિરને આગલા દિવસે મળી ગયો હતો. મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી દર વર્ષે રથયાત્રા માટે પ્રસાદ મોકલાવે છે.

Rathyatra ahmedabad gujarat