એચ કે કોલેજ વિવાદઃવાર્ષિકોત્સવ રદ થયા બાદ પ્રિન્સિપાલનું રાજીનામુ

11 February, 2019 07:41 PM IST  |  અમદાવાદ

એચ કે કોલેજ વિવાદઃવાર્ષિકોત્સવ રદ થયા બાદ પ્રિન્સિપાલનું રાજીનામુ

હેમંત શાહનું રાજીનામું

અમદાવાદની પ્રતિષ્ઠિત એચ કે કોલેજ વિવાદોમાં સપડાઈ છે. એચ. કે. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે કોલેજના આચાર્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એચ. કે. કોલેજના વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય અને કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવા બાબતે વિવાદ થયા બાદ હેમંત શાહે રાજીનામુ આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની એચ.કે. આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ આમંત્રણ અપાયું હતું. પરંતુ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ જિજ્ઞેશ મેવાણીની હાજરીનો વિરોધ કરતા ટ્રસ્ટી મંડળે કોલેજનો હોલ વાપરવાની ના પાડી દીધી હતી. પરિણામે કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ પડી હતી.

આ આખાય ઘટનાક્રમના વિરોધમાં કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ હેમંત શાહે રાજીનામુ આપી દીધું છે. હેમંત શાહે પોતાના રાજીનામામાં વાણીસ્વાતંત્ર્યનો અધિકાર હનન થતો હોવાનું જણાવી પોતાના પદનો ત્યાગ કર્યો છે. હેમંત શાહે સુધી આ કોલેજના કાર્યકારી આચાર્ય રહ્યાં હતા. હેમંત શાહે રાજીનામું સોપતા એક અખબારી નિવેદનમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો.

અભિવ્યક્તિની સ્વતંત્રતા હણાઈ હોવાનો ઉલ્લેખ

હેમંત શાહે પોતાના રાજીનામામાં દેશમાં અભિવ્ક્તિની સ્વતંત્રતા હણાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાજીનામામાં હેમંત શાહે લખ્યું છે,'હાલનો રાજકીય માહોલ ભારતના બંધારણમાં વિચાર, વાણી, અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે અધિકારો સ્વીકારવામાં લખવામાં આવ્યા છે, તેનું ગળું દબાવી દેવાના જેવો છે'

આ પણ વાંચોઃ એચ. કે. કોલેજ વિવાદઃજિજ્ઞેશ મેવાણીના ભાજપ પર પ્રહાર, રાજીનામાને આપ્યો ટેકો

ટ્રસ્ટીઓ પર નિશાન

તો હેમંત શાહે પોતાના રાજીનામામાં ટ્રસ્ટીઓને પણ જવાબદાર ઠેરવ્યા છે. ટ્રસ્ટીઓ પર નિશાન સાધતા હેમંત શાહે લખ્યું છે,'જ્યારે કોલેજનું આચાર્ય પદ મેં ટ્રસ્ટીઓના આગ્રહથી સ્વીકાર્યુ ત્યારે મારી એવી ધારણા હતી કે સમાજમાં આટલા પ્રતિષ્ઠિત એવા ટ્રસ્ટીઓ મને ભય વિના કામ કરવામાં જરૂર મદદરૂપ થશે પણ મારી આ આશા ઠગારી નીવડી છે.'

ahmedabad gujarat news Jignesh Mevani