કેજરીવાલે ગુજરાતને આપી મહિને ૩૦૦ યુનિટ ફ્રી વીજળીની ગૅરન્ટી

22 July, 2022 08:30 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાને ગઈ કાલે સુરતમાં કરી જાહેરાત ઃ કેજરીવાલે આક્ષેપ કરતાં કહ્યું કે ગુજરાતના લોકો મોંઘી વીજળીથી પરેશાન છે

ફાઇલ તસવીર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગઈ કાલે અરવિંદ કેજરીવાલે ગુજરાતને મહિને ૩૦૦ યુનિટ ફ્રી વીજળીની ગૅરન્ટી આપી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર બન્યા બાદ પાવરકટ વિના ૨૪ કલાક વીજળી અપાશે, એવો વાયદો કર્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી લડવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે સુરતના કતારગામ ખાતે આવેલા સમસ્ત પાટીદાર સમાજ હોલમાં ગુજરાતના કાર્યકરો અને આગેવાનોને મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં ઘણા લોકોને મળવાનું થયું, લોકોની સમસ્યા સાંભળી છે. ગુજરાતની જનતાનો અવાજ સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યું કે ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘી છે. અહીંના લોકો મોંઘા વીજળી બિલથી વધુ પરેશાન છે. ગુજરાતની જનતાની સૌથી મોટી સમસ્યા સાંભળતાં અમે પહેલી ગૅરન્ટી વીજળીની લઈને આવ્યા છીએ. હું ગુજરાતની જનતાને પ્રથમ ગૅરન્ટી વીજળી પર આપવા માગું છું. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ દર મહિને ઘર દીઠ ૩૦૦ યુનિટ વીજળી મફત અપાશે, ગુજરાતનાં તમામ ગામડાંઓ અને શહેરમાં પાવરકટ વગર ૨૪ કલાક વીજળી અપાશે અને ૩૧ ડિસેમ્બર સુધીનાં બધાં જ જૂનાં ઘરેલું વીજળી બિલ માફ કરવામાં આવશે. વીજળીની ગૅરન્ટી એ ફક્ત વાયદાઓ નથી, એ સત્ય છે જે અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. વીજળી પરની પ્રથમ ગૅરન્ટી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફક્ત ત્રણ મહિનાની અંદર જ પૂરી કરવામાં આવશે.’

કેજરીવાલે આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમે ગુજરાતમાં ફક્ત સરકાર નહીં બનાવીએ, પરંતુ દિલ્હી અને પંજાબની જેમ બહુમતથી જીતીને જનતા માટે ગુજરાતમાં સરકાર બનાવીશું.’

gujarat gujarat news aam aadmi party arvind kejriwal