અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા બદલ અમદાવાદમાં ૧૪ વ્યક્તિની અટકાયત

20 June, 2022 09:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કેટલાક પ્રદર્શનકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ ગાંધીજીના માર્ગે ચાલીને શાંતિપૂર્ણ રીતે યોજના સામે વિરોધ કરવા એકઠા થયા હતા

પ્રતીકાત્મક તસવીર

 ગુજરાતના અમદાવાદમાં પણ સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર કરાયેલી કેન્દ્રની ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ થયો હતો. અહીં ગઈ કાલે  પરવાનગી વિના આ યોજનાનો વિરોધ કરવા એકઠા થયેલા લગભગ ૧૪ લોકોને અટકાયતમાં લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કેટલાક પ્રદર્શનકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ ગાંધીજીના માર્ગે ચાલીને શાંતિપૂર્ણ રીતે યોજના સામે વિરોધ કરવા એકઠા થયા હતા અને અમે ત્યાં સુધી વિરોધ કરીશું જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય અને યોજના પાછી ન ખેંચી લેવાય.

ચાર વર્ષની મુદત માટે લશ્કરી દળોમાં ભરતી કરવાની કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજના સામે વિરોધ કરવા શહેરના મેઘાણીનગર વિસ્તારમાં લગભગ ૧૦૦ જેટલા લોકો એકઠા થયા હતા.

નોંધપાત્ર છે કે, આ યોજનાની વિરુદ્ધ બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત દેશનાં ૧૩થી વધુ રાજ્યોમાં ઉગ્ર વિરોધ થયો છે. આ વિરોધ પ્રદર્શનના સંબંધમાં ઉત્તર પ્રદેશમાં નવ જણની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિપથના સંબંધમાં ફેક ન્યૂઝ ફેલાવવાના સંબંધમાં સરકારે કેટલાંક વૉટ્સએપ ગ્રૂપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. 
દરમ્યાનમાં કૉન્ગ્રેસે અગ્નિપથનો વિરોધ કરી રહેલા યુવાનોને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. 

gujarat gujarat news