સુરત પછી હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ પાન-માવાની દુકાનોને તાળાં?

05 July, 2020 08:13 AM IST  |  Rajkot | Rashmin Shah

સુરત પછી હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ પાન-માવાની દુકાનોને તાળાં?

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ગઈ કાલે એક દિવસમાં કોરોનાના રેકૉર્ડબ્રેક 712 કેસ નોંધાયા

ગુજરાતમાં અત્યારે કોરોનાના કુલ 35398 કેસ છે

સુરત શહેરના કતારગામ અને વરાછા-‘એ’ તથા ‘બી’ ઝોનમાં પાન-માવા અને સિગારેટના વેચાણ પર પ્રતિબંધ અને ચાની લારી, કીટલી અને હોટેલ બંધ કરાવવાનો ઑર્ડર આપ્યા પછી હવે ગુજરાત સરકાર આ જ નિયમ સૌરાષ્ટ્ર-કચ્છમાં લાવવાનું વિચારી રહી છે. પાન-માવા અને સિગારેટનું વ્યસન ધરાવનારાઓ સુપરસ્પ્રેડર બને છે એવું પુરવાર થતાં ગુજરાત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટના સચિવ ડો. જયંતી રવિએ આ ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું છે. આ વાત બહાર આવતાં રાતોરાત સિગારેટ, ગુટકા અને માવાની સંઘરાખોરી શરૂ થઈ ગઈ છે, જેને લીધે ફરી એક વાર આ બધી ચીજવસ્તુઓના ભાવમાં ગઈ કાલે ૨૦થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો હતો, તો ગુટકાના ભાવ વધીને દોઢ ગણા થઈ ગયા હતા.
ગુજરાતમાં વધી રહેલા કોરોના-સંક્રમણની પાછળ ક્યાંક ને ક્યાંક પાન-માવાની દુકાનો અને ચાની હોટેલો જવાબદાર હોવાનું લાગતાં આ બન્ને સેન્ટરો બંધ કરવા વિશે વિચારણા શરૂ થતાં એક પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે જો આ પાન અને ચાની દુકાનો બંધ જ કરવાની હતી તો એ ખોલવાનો આદેશ શું કામ આપ્યો? આ દુકાનો પર લોકોની ગિરદી થતી હોવાથી પણ કોરોના-સંક્રમણ માટે આ દુકાનો જવાબદાર બને છે. જોકે નિયમો બનાવવામાં જ આવ્યા હતા કે દુકાન પર ચારથી વધારે લોકોએ એકત્રિત થવું નહીં. આ નિયમોનું પાલન થયું નથી એવું જયંતી રવિનું કહેવું છે તો આ કામમાં પણ કોની નિષ્ફળતા ગણવી એ પણ પ્રશ્ન ઊભો થયો છે. ગઈ કાલે ‘મિડ-ડે’એ જયંતી રવિ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ‘સમય મુજબ નિર્ણયો લેવાતા રહે એ બહુ જરૂરી છે.’

gujarat rajkot surat saurashtra kutch