AACA મીડિયા અવૉર્ડ્‍સ 2026એ ગુજરાતની સર્જનાત્મક ઊર્જાને પ્રજ્વલિત કરી

21 January, 2026 09:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

AACAનાં ૩૫ વર્ષની ઉજવણી રેકૉર્ડ ભાગીદારી, ભાવનાત્મક ક્ષણો અને રાષ્ટ્રીય ઓળખ સાથે સંપન્ન થઈ

ફેસ્ટિવલ ઑફ ઍડ્વર્ટાઇઝિંગ

અમદાવાદ ઍડ્વર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ અસોસિએશન (AACA) દ્વારા આયોજિત ફેસ્ટિવલ ઑફ ઍડ્વર્ટાઇઝિંગ 2026 અંતર્ગત AACA મીડિયા અવૉર્ડ્‍સ 2026નું અમદાવાદમાં ગ્રૅન્ડ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ AACAનાં ૩૫ વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઊજવાયો હતો.

આ ફેસ્ટિવલે સમગ્ર ઍડ્વર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યું હતું. અગ્રણી ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા પ્રોફેશનલ્સ અને ઍડ્વર્ટાઇઝર્સ એક મંચ પર એકત્રિત થયા હતા અને ગુજરાતની ઍડ્વર્ટાઇઝિંગ ફ્રૅટર્નિટીએ ક્રીએટિવિટી, કોલૅબરેશન અને વૅલ્યુ-ડ્રિવન ગ્રોથના સાડાત્રણ દાયકાના યોગદાનની ભવ્ય ઉજવણી કરી હતી. ગ્રૅન્ડ રેડ કાર્પેટ વેલકમ, એન્ગેજિંગ એન્ટરટેઇનમેન્ટ અને જીવંત સંવાદોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

આ પ્રસંગે અજિત શાહને તેમની AACA પ્રત્યેની કાર્યદક્ષતા માટે પ્રતિષ્ઠિત AACA Lifetime Achievement Awardથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત અવૉર્ડ સમારોહમાં પ્રિન્ટ, ટેલિવિઝન-સિનેમા, રેડિયો, આઉટડોર અને ડિજિટલ ઍડ્વર્ટાઇઝિંગ કૅટેગરીઝમાં શ્રેષ્ઠ કાર્ય બદલ કુલ ૩૯ અવૉર્ડ્‍સ એનાયત કરવામાં આવ્યા હતા.

આ વર્ષે પ્રથમ વખત સેન્ટ્રલ ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર–કચ્છની ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીઓને AACA દ્વારા વિશેષ પ્લૅટફૉર્મ આપવામાં આવ્યું અને ઇન્ડસ્ટ્રીના વિકાસમાં એમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી.

AACA મીડિયા અવૉર્ડ્‍સ 2026ને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ એ સાબિત કરે છે કે ગુજરાતની ઍડ્વર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી આજે માત્ર ક્રીએટિવ રીતે આગળ નથી, સ્ટ્રૅટેજિક વિઝન અને ઇમ્પૅક્ટ સાથે રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની દૃઢ ઓળખ સ્થાપિત કરી ચૂકી છે એવું AACAના પ્રમુખ મનીષ ગાંધીએ જણાવ્યું હતું.

આ અવસરે AACA દ્વારા આવનારા સમયમાં કૉફીટેબલ બુક, ક્રીએટિવ સ્પાર્ક, બ્લડ ડોનેશન ડ્રાઇવ, લેજન્ડ ટૉક-શો અને AACA ક્રિકેટ કાર્નિવલ જેવી પહેલોની જાહેરાત પણ કરવામાં આવી હતી. 

gujarat news gujarat ahmedabad gujarat government advertising