સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ તીસ્તા સેતલવાડની વિરુદ્ધ તપાસ કરશે

27 June, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૨માં થયેલાં રમખાણો બાદ લોકોને ન્યાય અપાવવાના બહાને ખોટી રીતે તેમને તપાસ પંચ સમક્ષ રજૂ કરાયા હતા

અમદાવાદમાં ગઈ કાલે ગુજરાત પોલીસ દ્વારા અટકાયત બાદ ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડના મેડિકલ ચેક-અપ પછી તેને હૉસ્પિટલમાંથી લઈ જવામાં આવી રહી છે.

અમદાવાદ ( પી.ટી.આઇ.) ઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી. શનિવારે તેની મુંબઈમાં અટક કરીને ગુજરાત લાવવામાં આવી હતી. તેની વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું રચવાના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એના એક દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમારની ધરપકડ કરી હતી અને ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની કસ્ટડી માટે ટ્રાન્સફર વૉરન્ટની પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાત એટીએસના ડીઆઇજીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ત્રણેયની વિરુદ્ધ તપાસ કરશે. 
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મલિકે કહ્યું કે સેતલવાડ, શ્રીકુમાર અને ભટ્ટ દ્વારા ઇન્ક્વાયરી કમિશન સમક્ષ રજૂ કરવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ ડૉક્યુમેન્ટ્સના આધારે જ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. સેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સહકાર નથી આપી રહ્યાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. 
સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના ચુકાદામાં કરેલી ટિપ્પણીના આધારે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે જેમણે પોતાનાં હિત સાધવા માટે સમગ્ર પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. સેતલવાડે લોકોને ફસાવવા ખોટા પુરાવા બનાવીને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો. ૨૦૦૨નાં ગુજરાત રખમાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલી સમિતિ સમક્ષ લોકોને રજૂ કરવામાં આવ્યા હતા.

gujarat news ahmedabad