અમદાવાદઃ નાનકડી ભૂલ અને ચાર મહિનાની બાળકીએ ગુમાવી માતાની છત્રછાયા

22 April, 2019 12:27 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ નાનકડી ભૂલ અને ચાર મહિનાની બાળકીએ ગુમાવી માતાની છત્રછાયા

અમદાવાદમાં અકસ્માતમાં મહિલાનું મોત (તસવીર સૌજન્યઃ TOI)

દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનાર જો પોતાની સુરક્ષાનું ધ્યાન ન રાખે તો તેનું પરિણામ કેવું આવે તેનો આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એક નાની સરખી ભૂલ થઈ અને ચાર મહિનાની બાળકીના માથા પરથી માતાનો હાથ ઉઠી ગયો. કરૂણતા એ છે કે આ ઘટના ત્યારે બની જ્યારે માતા-પિતા નવજાત બાળકીને પહેલી વાર બહાર લઈ જઈ રહ્યા હતા અને તે પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે.

ઘટના એવી બની કે શહેરના વાસણા વિસ્તારમાં રહેતા સુમિત્રા ચંદેલ તેના પતિ ભુપેન્દ્ર સાથે રવિવારે સવારે લાંભા મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે લાંભા ચાર રસ્તા પાસે સુમિત્રાની સાડીનો ખુલ્લો છેડો બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ ગયો અને તેઓ દીકરી સાથે બાઈક પરથી પડી ગયા. સુમિત્રાબેનની માથામાં ગંભીર ઈજા થઈ જ્યારે બાળકીને થોડી જ ઈજા થઈ હતી. સુમિત્રાબેનને પતિ તેમને તાત્કાલિક LG હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

દીકરીને લઈને પહેલી વાર નીકળ્યા હતા બહાર
મૃતકના પારિવારિક મિત્રના જણાવ્યા પ્રમાણે સુમિત્રા કદાચ પહેલીવાર જ દીકરીને લઈને બહાર નીકળ્યા હતા. આ પહેલા તેઓ ડૉક્ટર પાસે જ ગયા હતા. બાળકીના પિતા આઘાતમાંથી હજુ સુધી બહાર નથી આવી શક્યા. તેઓ કહે છે, 'સુમિત્રાની ઉંમર હજુ તો 22 વર્ષની જ હતી. અમે અમારા પહેલા સંતાનના જન્મની ઉજવણી કરી રહ્યા હતા. હું તેને મારા સાસરેથી લાવ્યો હતો અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે જઈ રહ્યા હતા.'

આ પણ વાંચોઃ અમદાવાદઃ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, કારચાલકે 5 વાહનોને લીધા અડફેટે

પોલીસે નોંધ્યો અકસ્માતે મોતનો કિસ્સો
પોલીસે અકસ્માતે મોતનો કિસ્સો નોંધ્યો છે. PSI એસ એફ ભંડારીએ કહ્યું કે, "આ અકસ્માતને મોતનો કિસ્સો છે. અમે પતિનું નિવેદન લઈને ફરિયાદ દાખલ કરી છે."

ahmedabad gujarat