ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ‘નાઇટ શિફ્ટ’ કરાવાતાં ભારે રોષ ફેલાયો

28 January, 2023 10:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કડકડતી ઠંડીમાં ગુજરાતમાં ખેડૂતોને રાતે વીજળી અપાતાં ભારે રોષ : અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામે ઠંડી વચ્ચે અડધી રાતે પાણી વાળવા ગયેલા ખેડૂતનું મૃત્યુ : ઉપલેટા તાલુકામાં ખેડૂતોએ વીજળીની અંતિમયાત્રા કાઢીને સરકારને જગાડવાનો કર્યો પ્રયાસ

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ ઃ ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાત સરકાર રાતે વીજળી આપતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર તેમ જ ઉત્તર ગુજરાતમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દિવસે વીજળી આપવાની માગણી ઊઠી છે. ગુજરાતમાં પડી રહેલી કડકડતી ઠંડીમાં ગઈ કાલે અરવલ્લીના ટીંટોઈ ગામે અડધી રાતે પાણી વાળવા ગયેલા ખેડૂતનું મૃત્યુ ઠંડીને કારણે થયું હોવાનો દાવો તેમના સ્વજનોએ કર્યો છે.
ગુજરાતમાં દિવસે સૂર્યોદય યોજનાથી વીજળી આપવાની યોજના છે, પરંતુ આ યોજના ગુજરાતનાં તમામ ગામો સુધી પહોંચી નથી અને મોટા ભાગનાં ગામડાંઓમાં ખેડૂતોને રાતે જ વીજળી મળી રહી છે એથી પાણી વાળવા માટે ખેડૂતોએ રાતે ખેતરમાં જવું પડે છે. હાલમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસે વીજળી આપવાની માગણી 
ઊઠી છે છતાં ખેડૂતોને દિવસે વીજળી નહીં મળતાં ગઈ કાલે ઉપલેટા 
તાલુકામાં ખેડૂતોએ વીજળીની અંતિમયાત્રા કાઢીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ જૂનાગઢના મેંદરડામાં વીજ કંપનીની ઑફિસની બહાર ખેડૂતોએ ધરણાં કર્યાં હતાં. મેંદરડા અને વંથલી પંથકનાં ગામોમાં રાતે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતોએ દીપડા અને સિંહનો ડર હોવાથી દિવસે વીજળી આપવાની માગણી કરી હતી.
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ગુરુવારે રાતે ખેતરમાં પાણી વાળવા ગયેલા ૫૮ વર્ષના લવજી વીરચંદ પટેલનું મૃત્યુ થયું છે. મરનાર ખેડૂતના ફૅમિલી મેમ્બર કેયુર પટેલે દાવો કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં રાતે વીજપાવર આવે છે જેથી ખેતરોમાં રાતે પાણી વાળવા જવું પડે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડી વધુ પડી રહી છે. લવજીકાકા રાતે સાડાઅગિયારે પાણી પાવા ખેતર ગયા હતા અને મધરાતે બે વાગ્યે ભયંકર ઠંડીને કારણે ખેતરમાં ઢળી પડ્યા હતા. 
સવારે ઘરે ન આવતાં તેમના દીકરાએ ખેતરમાં જઈને 
તપાસ કરી તો ખેતરમાં પાણીની 
નીકમાં તેઓ પડેલા જોવા મળ્યા હતા. તેમને ઘરે લઈ આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ખેતરમાં જ તેમનું મૃત્યુ થયું હતું.’ 
ગઈ કાલે જૂનાગઢના મેંદરડામાં વીજ કંપનીની ઑફિસની બહાર ખેડૂતો સાથે ધરણાં પર બેઠેલા માણાવદરના વિધાનસભ્ય અરવિંદ લાડાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેંદરડા અને વંથલી તાલુકાનાં ગામો ગીર જંગલના બૉર્ડરનાં ગામો છે, જેથી રાતે દીપડા અને સિંહનો ડર ખેડૂતોને હોય છે એટલે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી. દિવસે વીજળી આપવાની માગણી સાથે તેઓ ધરણાં પર બેઠા હતા. 
જોકે વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમણે ખાતરી આપી હતી કે શક્ય એટલું વહેલા દિવસે વીજપાવર આપીશું.આવતા  એક મહિનામાં જ દિવસના ભાગે વીજળી આપીશું.’ 

ઠંડી વચ્ચે આજે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી 

ગુજરાતમાં ઠંડીના જોર વચ્ચે આજે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૉર્થ ગુજરાતમાં લાઇટ રેઇન પડવાની સંભાવના છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત અમદાવાદ, ખેડા, મહીસાગર જિલ્લાઓમાં લાઇટ રેઇન પડી શકે છે.’
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં શીત લહરનું જોર હતું. ગઈ કાલે પણ ગુજરાતમાં સૌથી વધુ ઠંડુંગાર નગર નલિયા બની રહ્યું હતું, જ્યાં મિનિમમ તાપમાન ૪.૫ ડિગ્રી હતું. 
આ ઉપરાંત પાટણમાં મિનિમમ તાપમાન ૮.૨, રાજકોટમાં ૯.૪, ભુજમાં ૯.૭, ગાંધીનગરમાં ૧૧.૭, ડીસા અને કંડલામાં 
૧૨, વલસાડમાં ૧૨.૩, પોરબંદરમાં ૧૨.૪, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં ૧૩ અને અમદાવાદમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન હતું.

gujarat news gujarat