વલસાડમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ

11 May, 2019 10:54 AM IST  |  વલસાડ

વલસાડમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ

વલસાડમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. દરમ્યાન તાલુકાના ધનોરી ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈને ગરમીમાં રાહત મળી છે. જોકે કમોસમી વરસાદને પગલે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ઊભી થઈ છે.

સક્યુર્‍લેશન સિસ્ટમને કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓની સાથે વરસાદની આગાહી છે જેને કારણે ખેડૂતોને માલમિલકતની તકેદારી રાખવાનું જણાવાયું હતું. વાતાવરણમાં પલટાને કારણે લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેથી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા પણ છે. ૭૨ કલાક બાદ ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ જૂન જુલાઈમાં ધોધમાર વરસાદની આગાહી, અલ નીનોની અસર ઘટી

શુક્રવારે સવારથી વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યાર બાદ બપોરે વલસાડ તાલુકાના કેટલાક છેવાડાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધનોરી અને આસપાસના વિસ્તારોમાં માવઠાને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. કેરીના પાકને નુકસાનની ભીતિને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.

gujarat news