કૂતરુ કરડ્યું, તો મ્યુનિસિપલ કમિશનર સામે કરી દીધી કોર્ટમાં ફરિયાદ !

05 September, 2019 07:13 PM IST  |  વડોદરા

કૂતરુ કરડ્યું, તો મ્યુનિસિપલ કમિશનર સામે કરી દીધી કોર્ટમાં ફરિયાદ !

જાગો ગ્રાહક જાગો. આ એડવર્ટાઈઝ ટીવી પર તમે ઘણીવાર જોઈ હશે. અને કેટલાક એવા કિસ્સા પણ સાંભળ્યા હશે જેમાં બરાબર સર્વિસ કે બરાબર વસ્તુ ન મળવા પર લોકોએ કંપનીઓ સામે ફરિયાદ કરી હોય. બરાબર છે, ગ્રાહક સુરક્ષા કોર્ટ આ માટે જ છે. પરંતુ વડોદરાના એક વ્યક્તિએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ફરિયાદ કરી દીધી છે. જી હાં, હવે તમને સવાલ થશે કે મ્યુનિસિપલ કમિશનર સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ. એ કેવી રીતે ?

ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પ્રમાણે વડોદરામાં એક ટુ વ્હિલર ચાલકને રસ્તા પર કૂતરુ કરડ્યું હતું. એટલે આ વ્યક્તિએ ગ્રાહક કોર્ટમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ ફરિયાદ કરી છે. મળતી માહિતી પ્રમાણે છાણી જકાતનાકા પાસે વિનાયક કોમ્પલેક્સમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા રમેશપરમાર પોતાની દુકાન બંઘ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને કૂતરાએ બચકું બરી લીધું. છાણી ટીપી 13 રસ્તા પર અચાનક જ તેમના ટુ-વ્હીલર પાછળ એક કૂતરું દોડ્યું હતું અને તેમના પગમાં બચકું ભરી લીધું હતું. રમેશભાઈને સારવાર માટે તાત્કાલિક ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યા હતા.

ફરિયાદ કરનાર વ્યક્તિ રમેશભાઈ પરમારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું છે કે,'મનપા કૂતરા વેરા તરીકે વર્ષે 5 રૂપિયા વસુલે છે. એટલે મેં એક જાગૃત નાગરિક તરીકે આ ફરિયાદ નોંધાવી છે. અમે મહાનગરપાલિકાના ગ્રાહકો છીએ. મનપા વેરો વસુલે છે. એટલે રખડતા કૂતરાથી નાગરિકોને હાનિ ન પહોંચે એની જવાબદારી મનપાની છે. એટલે મેં ગ્રાહક કોર્ટમાં માગ કરી છે કે કૂતરૂ કરડવાથી મને જે ઇજાઓ થઇ છે અને મને સારવાર માટે જ ખર્ચ થયો છે તેનું વળતળ મને મળવું જોઇએ.'

આ પણ વાંચોઃ પતિએ રસોડામાં પાર્ક કરી પોતાની કાર, પત્નીએ કરી આવી ફરિયાદ

કૂતરુ કરડવાથી મહાનગરપાલિકા સામે કોર્ટમાં કેસ થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ કેસમાં હવે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સુનાવણી કરશે.

vadodara news