કચ્છની સાગર સીમાએથી પાકિસ્તાની ઘૂસણખોરો ઘૂસી આવ્યા?

06 October, 2019 09:09 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

કચ્છની સાગર સીમાએથી પાકિસ્તાની ઘૂસણખોરો ઘૂસી આવ્યા?

પ્રતીકાત્મક તસવીર

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે સરહદો પર ભારે તંગદિલી પ્રવર્તી રહી છે ત્યારે કચ્છની સાગર સીમાએથી અરબી સમુદ્રના સિરક્રીક પાસેના એક નિર્જન ટાપુ પરથી બે પાકિસ્તાની બોટ મળી આવતાં કચ્છની જળસીમાએથી પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યા હોવાની શંકા પરથી સમગ્ર વિસ્તારમાં સરહદી સલામતી દળના જવાનોએ વ્યાપક કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું છે. જોકે હજી સુધી આ બે પાકિસ્તાની બોટમાં સવાર થઈને અત્યંત સંવેદનશીલ એવા સિરક્રીકના દરિયામાં, ભારતીય જળસીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરોનો કોઈ પત્તો મળ્યો નથી.

સરહદી સલામતી દળના એક ટોચના અધિકારીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે દળના જવાનો જ્યારે સિરક્રીક પાસેના લક્ષ્મણ ટાપુ પાસે પૅટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ બે પાકિસ્તાની બોટ ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી. આ બન્ને બોટની તલાશી લેવાતાં એમાંથી માછીમારીનાં સાધનો મળી આવ્યાં છે. આ ઘટના આજે સવારે પોણાનવ વાગ્યે બની હોવાનું જાણવા મળે છે. દીપોત્સવી પર્વને ટાંકણે ભારતમાં ભાંગફોડ સર્જવાના ઇરાદાથી પાકિસ્તાની ખુફિયા એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) દ્વારા તાલીમબદ્ધ પાકિસ્તાની આતંકવાદીઓને કચ્છની જળસીમાએથી ઘુસાડવાનો નાપાક પેંતરો હોવાની શંકા પરથી આ ઘટનાને સરહદી સલામતી દળ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વિરામ બાદ સૌરાષ્ટ્રમાં સાતમા નોરતે ધોધમાર વરસાદ, ગોંડલમાં 1 ઈંચ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૦ દિવસમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. બોટમાંથી નાસી છૂટ્યા હોવાનું મનાતા માછીમારોની શોધખોળ માટે ભારતીય હવાઈ દળની મદદ લેવામાં આવી રહી છે.

bhuj kutch gujarat india pakistan