ધોરણ 10 બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે અને વીસ ગુણ સ્કૂલ આપશે

17 October, 2019 09:32 AM IST  |  અમદાવાદ

ધોરણ 10 બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે અને વીસ ગુણ સ્કૂલ આપશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે ૨૦૨૦ની બોર્ડની પરીક્ષા માટે ૮૦/૨૦ની પદ્ધતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી આગામી ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા ૮૦ ગુણની રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણ સ્કૂલ કક્ષાએથી આપવાના રહેશે.

પરીક્ષા સચિવે એક પરિપત્ર જાહેર કરી તમામ સ્કૂલના આચાર્યોને જાણ કરવા સૂચના આપી છે. મહત્ત્વનું છે કે ગયા વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ઓએમઆર પદ્ધતિ રદ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરાઈ હતી; જે વિશે હાલ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને સ્કૂલોને, આચાર્યોને અને પરીક્ષાર્થીઓને નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાશે એ બાબતે અવગત કરાવવા આદેશ કરાયો છે.

આ પણ વાંચો : સરકાર બૅકફુટ પરઃ બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાશે

ધો.૧૦ બોર્ડની ૨૦૧૯ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ કોર્સ જૂનો પણ નવી પેપર સ્ટાઇલથી પરીક્ષા આપવી પડશે. શિક્ષણ બોર્ડ દ્વારા પેપર સ્ટાઇલ બદલી નાખવામાં આવી છે, જેની સ્કૂલે નહીં જતા રિપીટર વિદ્યાર્થીઓને જાણ ન હોય એ સ્વભાવિક છે. આ વર્ષે ધો.૧૦ના રિપીટર વિદ્યાર્થીઓને ૫૦ માર્કના એમસીક્યુ પ્રશ્નો નહીં મળે. સીધું ૮૦ માર્કનું પેપર મળશે.

gujarat ahmedabad