દીકરી જોઈતી હતી ને દીકરો જન્મ્યો તો તેને ઠંડીમાં રસ્તા પર જ ત્યજી દીધો

14 January, 2020 09:16 AM IST  |  Surat

દીકરી જોઈતી હતી ને દીકરો જન્મ્યો તો તેને ઠંડીમાં રસ્તા પર જ ત્યજી દીધો

અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે પુત્રની લાલસામાં લોકો પુત્રીને ત્યજીને જતા રહે છે, પણ સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં માતા-પિતાએ પુત્રીની લાલસામાં પુત્રને તરછોડી દીધો હતો. આમ તો આ ઘટના દુખદ કહેવાય. કતાર ગામના સિંગણપોર વિસ્તારમાં વણજારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં દીકરાને ત્યજી દેવામાં આવ્યો હતો. નવજાત દીકરાને ત્યજી દેનારાં માતા-પિતાની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં કતાર ગામના સિંગણપોર વિસ્તારમાં વણજારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં ગઈ ૬ ડિસેમ્બરે એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. એ બાળકને તાપી નદીની પાળ પર બેસવા ગયેલા યુવાનો પૈકી જેસીબીના ઑપરેટર અને મૅનેજમેન્ટનું કામ કરતા અજય વણજારા નામના યુવાને શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધું હતું. ત્યાર બાદ આ બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ત્યજી દેનારાં માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસતપાસમાં આ બાળક વણજારા વાસમાં રહેતા ટ્રક-ડાઇવર મંગુભાઈ નરસિંહ વણજારા અને ગંગાબહેનનું હોવાની વિગત સામે આવતાં પોલીસે દંપતીની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. આ દંપતીએ કબૂલાત કરી હતી કે લગ્નજીવન દરમ્યાન ત્રણ સંતાનોમાં ત્રણેય પુત્રો છે. પુત્રી જન્મશે એવી આશા હતી, પરંતુ દીકરો જનમતાં અમે તેને ત્યજી દીધો હતો.

gujarat surat Crime News