સુરતમાં 3.5 કરોડ રૂપિયાનું મ્યાઉં મ્યાઉં ડ્રગ્સ ઝડપાયું

27 October, 2019 12:47 PM IST  |  સુરત | તેજસ મોદી

સુરતમાં 3.5 કરોડ રૂપિયાનું મ્યાઉં મ્યાઉં ડ્રગ્સ ઝડપાયું

પ્રતીકાત્મક તસવીર

દેશના યુવાધનને બરબાદ કરવા વિદેશમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ભારતમાં ઘુસાડવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરહદનો ઉપયોગ પણ ડ્રગ્સ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો છે. જોકે સુરક્ષા-એજન્સીઓ દ્વારા અનેક વખત આવા ષડ્યંત્રનો પર્દાફાશ પણ કરવામાં આવતો હોય છે ત્યારે સુરત ડીઆરઆઇ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, પકડાયેલા જથ્થાની બજારકિંમત અંદાજે સાડાત્રણ કરોડ રૂપિયા છે.

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઇના સુરત યુનિટને ગુપ્ત માહિતી મળી હતી કે દિલ્હીથી મુંબઈ જનારી રાજધાની ટ્રેનમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈ લઈ જવાઈ રહ્યો છે, જેને પગલે ડીઆરઆઇની ટીમે શનિવારે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશને વૉચ ગોઠવી હતી. સવારના સમયે જ્યારે રાજધાની ટ્રેન સુરત સ્ટેશન પહોંચી કે તરત જ ડીઆરઆઇની ટીમ માહિતી મુજબના કોચમાં પહોંચી ગઈ હતી. કોચમાં બેઠેલા બે યુવાનો વિશે મળેલી માહિતીને પગલે તેમની પાસે રહેલી બૅગ તપાસ માટે માગવામાં આવી હતી. શરૂઆતમાં બન્ને યુવાનોએ આનાકાની કરી હતી. જોકે ડીઆરઆઇના કડક વલણને કારણે બન્ને યુવાનોએ પોતાનો સામાન ચેક કરવા માટે આપ્યો હતો. બન્ને યુવાનોની બૅગ ચેક કરતાં એમાં પૅકિંગ કરેલાં પૅકેટ મળી આવ્યાં હતાં, જે પૅકેટને ખોલતાં એમાં સફેદ રંગનો પાઉડર મળી આવ્યો હતો.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાને અમદાવાદ શહેરમાં 800 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

ડીઆરઆધની ટીમે બન્ને યુવકોની પૂછપરછ કરતાં તેમણે પાઉડર મેફેડ્રોન ડ્રગ્સ હોવાની કબૂલાત કરી હતી. મેફેડ્રોન ડ્રગ્સને બજારમાં મ્યાઉં મ્યાઉંના નામથી પણ ઓળખવામાં આવે છે. બન્ને યુવાનો પાસેથી મળેલા ડ્રગ્સનું વજન ૭ કિલો ૫૦૦ ગ્રામ થયું હતું. પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સની બજારકિંમત અંદાજે ૩.૫ કરોડ રૂપિયાની આસપાસ માનવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર બન્ને પકડાયેલા યુવકો મૂળ હરિયાણાના રેહવાસી છે. તેઓ દિલ્હીથી મુંબઈ રાજધાની ટ્રેનમાં મુંબઈ ડ્રગ્સની ડિલ‌િવરી આપવા માટે જઈ રહ્યા હતા. મુંબઈમાં ડ્રગ્સ કોને આપવાનું હતું, ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને આગળ ક્યાં મોકલવાનું હતું વગેરે બાબતોને લઈને હાલ ડીઆરઆઇ બન્ને યુવકોની પૂછપરછ કરી રહી છે.

gujarat surat