શરદ પવારની હાજરીમાં NCPમાં જોડાયા શંકરસિંહ વાઘેલા

29 January, 2019 04:13 PM IST  | 

શરદ પવારની હાજરીમાં NCPમાં જોડાયા શંકરસિંહ વાઘેલા

NCPમાં જોડાયા બાપુ


કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વિધિવત્ રીતે NCPમાં જોડાઈ ચૂક્યા છે. અમદાવાદમાં NCPના અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ ધારણ કર્યો. સાથે જ શંકરસિંહ વાઘેલાને જનરલ સેક્રેટરીની જવાબદારી પણ સોંપાઈ છે. 50 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન શંકરસિંહ વાઘેલા પાંચમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા તેઓ જનસંઘ, ભાજપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી, બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તો રાષ્ટ્રીય જનતા પાર્ટીની જેમ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જનવિકલ્પ મોરચાની રચના કરી હતી.

આવી રહી છે રાજકીય કારકિર્દી

21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં જન્મેલા શંકરસિંહ વાઘેલા ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટ્સના અનુસ્નાતક થઈ ચૂક્યા છે. 1964માં તેઓ RSS અને બાદમાં 1969માં ભારતીય જનસંઘમાં જોડાયા હતા.

શંકરસિંહ 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચવાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમજ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ 13મી વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી પણ સંભાળી હતી.

1996માં ભાજપમાંથી બળવો કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી. આવી જ રીતે બાપુએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને જનવિકલ્પ પાર્ટી બનાવી 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ એકપણ ઉમેદવાર જીતી શક્યો નહોતો.

gujarat news