રથયાત્રાઃઅડધો કલાક માટે રોકવી પડી રથયાત્રા, આ હતું કારણ

04 July, 2019 04:50 PM IST  |  અમદાવાદ

રથયાત્રાઃઅડધો કલાક માટે રોકવી પડી રથયાત્રા, આ હતું કારણ

ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ નિજમંદિર પરત ફરી રહ્યા છે. પરત ફરવા દરમિયાન પણ ભક્તોની ભીડ ઓછી નથી થઈ રહી. રથયાત્રાના પરત ફરવાના રૂટ પર પણ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. જો કે રથયાત્રાના પરત ફરવા દરમિયાન અડધો કલાક માટે રસ્તામાં અટકાવવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે કાલુપુર સર્કલ પાસે રથયાત્રાને અડધો કલાક જેટલા સમય માટે અટકાવવી પડી હતી.

મળતી માહિતી પ્રમાણે રથયાત્રા દરમિયાન પોલીસ અને મંદિરના વહીવટી તંત્ર વચ્ચે ગેરસમજણ થતાં રથયાત્રા અટકાવવી પડી હતી. ચર્ચા એવી હતી કે પોલીસ રથયાત્રાને સ્પીડમાં દોડાવી રહી હતી. ત્યારે મંદિર તંત્ર તરફથી રથયાત્રા અટકાવી દેવાઈ હતી. ભક્તો દર્શન કરી શકે તે માટે રથયાત્રાને અડધો કલાક માટે અટકાવી દેવાઈ હતી.

ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર પહોંચ્યા હતા. આ પહેલાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર બિજલ પટેલે ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું હતું. સરસપુરમાં ત્રણેય ભાઈ બહેનને મામેરુ કરાયું હતું. જે બાદ ભગવાન નિજ મંદિર જવા રવાના થયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન, જુઓ ફોટોઝ

આ દરમિયાન રથયાત્રા પર વરુણ દેવ પણ મહેરબાન થયા છે. પ્રેમ દરવાજા વિસ્તારમાં અમીછાંટણા થયા હતા. પ્રેમ દરવાજા, સરસપુર અને કાલુપુરમાં ચાલુ વરસાદમાં પણ રથયાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને છત્રી લઈને રથયાત્રા જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન અમુક ભક્તો પડતાં પડતાં રહી ગયા હતા.

Rathyatra ahmedabad gujarat