સુરત: ભયંકર મંદીને કારણે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારથી જ વેકેશન

20 July, 2019 08:15 AM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરત: ભયંકર મંદીને કારણે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારથી જ વેકેશન

ભયંકર મંદીને કારણે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારથી જ વેકેશન

દેશઆખાની ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીની આગેવાની રાખનારા સુરતના હીરાઉદ્યોગને મંદી એટલા સ્તરે નડી ગઈ છે કે કેટલીક કંપનીઓએ સ્ટાફને રજા પર મોકલવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીમાં નવરાત્રિથી રજાની શરૂઆત થાય છે, પણ આ વખતે અત્યારથી જ સ્ટાફ રજા લેવા માંડ્યો છે અને કંપની પણ મંદીના માહોલ વચ્ચે ખોટું ભારણ ન વધે એ માટે રજા આપવાનું પસંદ કરે છે. સુરતની ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીની ચાર ડાયમન્ડ પૉલિશિંગ કંપનીઓએ તો એના બધા સ્ટાફ-મેમ્બરને રજા આપી દીધી છે.

નેહલ ડામન્ડ વર્ક્સના માલિક વીરજીભાઈ ઠુમ્મરે કહ્યું હતું કે ‘અત્યારે સુરતમાં ધંધો ૪૦ ટકા જેટલો થઈ ગયો છે. આટલો તો કંપનીનો ખર્ચો હોય એટલે નવું ભારણ ન આવે એ માટે રજા માગે તેને પ્રેમથી આપી દઈએ છીએ. દિવાળી પછી નવો ધંધો દેખાય એવું લાગે છે.’

સુરત ડાયમન્ડ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ શાંતિભાઈ ધનાણીએ કહ્યું હતું કે ‘મંદી આવે અને જાય અને એમાં મોટી વાત નથી, પણ આ વખતે મંદીને હકારાત્મક રીતે લેવાનું કામ બધાએ કર્યું છે. રજા પણ સામેથી આપવાની અને સલાહ પણ આપવાની કે ખોટા ખર્ચા ન થાય એનું ધ્યાન રાખજો, જેથી ઇમર્જન્સી આવે ત્યારે વાંધો ન આવે.’

આ પણ વાંચો : પાટીદારોનું પણ બંધારણ હોવું જોઈએ: હાર્દિક પટેલ

સુરતની ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કેટલીક ફૅક્ટરીઓએ તો પોતાની ઑફિસ અને ફૅક્ટરીમાં આ જ મેસેજને લગતી પ્રિન્ટઆઉટ પણ મારી દીધી છે જેથી તેમના કર્મચારીઓને પણ આ વાત સમજાય અને તેઓ પણ ખર્ચ કરવામાં ધ્યાન રાખે. સુરતમાં નાની-મોટી લગભગ ૪૦૦ જેટલી કંપનીઓ છે. આ કંપનીઓમાંથી કેટલીક કંપનીઓએ ૧૨થી ૧૫ ટકા વર્કર્સને છૂટા કરી દીધા છે.

surat gujarat Rashmin Shah