પોરબંદરઃસવાસો કિલોમીટર ટ્રાવેલ કરીને સિંહ પહોંચ્યો માધવપુર

13 February, 2019 08:18 AM IST  |  | રશ્મિન શાહ

પોરબંદરઃસવાસો કિલોમીટર ટ્રાવેલ કરીને સિંહ પહોંચ્યો માધવપુર

માધવપુરમાં દેખાયો સિંહ

ગીર ફૉરેસ્ટથી પોરબંદર જિલ્લાનું માધવપુર અંદાજે સવાસો કિલોમીટર દૂર આવેલું છે. આ અગાઉ ક્યારેય માધવપુરમાં સિંહ દેખાયા નથી, પણ ગઈ કાલે માધવપુરમાં પહેલી વખત સિંહ દેખાયો. ગામમાં ઘૂસી ગયેલા સિંહે બે વ્યક્તિ પર હુમલો પણ કર્યો અને એ પછી માધવપુર પાસે આવેલી વીડમાં એ ઘૂસી ગયો. આ સિંહને ત્યાંથી કાઢવા માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરના ફૉરેસ્ટ ઑફિસર ડી. કે. સખિયાએ કહ્યું હતું કે ‘માધવપુર સુધી ક્યારેય સિંહ દેખાયા નથી. એવું અનુમાન માંડી શકાય કે આ સિંહ સવાસો કિલોમીટર ટ્રાવેલ કરીને માધવપુર સુધી પહોંચ્યો હશે. એ પોતાની ટોળીથી છૂટો પડી ગયો હોય એવા ચાન્સિસ પણ ગણાય.’

આ પણ વાંચોઃ ગુજરાતમાં વાઘ હોવાના મળ્યા પુરાવા, વધામણાં કરશે સરકારઃ વન મંત્રી

માધવપુરમાં આવી ગયેલા સિંહ સાથે સ્થાનિક લોકો એવી રીતે વર્તી રહ્યા હતા કે જાણે કે એ કોઈ ડૉગી હોય. આ સિંહ એક ઘરમાં ઘૂસી ગયો તો સ્થાનિક લોકો એ ઘરની ડેલી પાસે ટોળે વળીને ઊભા રહી ગયા અને સિંહ આવ્યો ત્યારે ભાગીને દીવાલ પર ચડી ગયા. આવી ભાગાભાગી સમયે જ સિંહની અડફેટે બે લોકો ચડતાં સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. ગુજરાતના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણપત વસાવાએ કહ્યું હતું કે ‘સિંહ સાથે રમત ન હોય અને એની મજાકમસ્તી પણ ન હોય. આ વાત સમજવી જોઈએ. ગીરમાં પણ સિંહ સાથે મસ્તી કરવાની ઘટનાઓ બની રહી છે. સિંહને છંછેડવા એ કાયદાકીય ગુનો છે અને એવું કરનારાને છ મહિનાની જેલની સજા સુધીની જોગવાઈ છે.’

gujarat news gujarat lions