અમદાવાદ: નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં નીતિન પટેલનું નામ જ ગાયબ

17 January, 2019 12:30 PM IST  |  અમદાવાદ

અમદાવાદ: નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં નીતિન પટેલનું નામ જ ગાયબ

ગુજરાતના આરોગ્યમંત્રી નીતિન પટેલ (ફાઇલ ફોટો)

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા આજે અત્યાધૂનિક સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ SVP હોસ્પિટલના લોકાર્પણ માટેની પત્રિકામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ છે. જણાવી દઈએ કે, નીતિન પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી પણ છે. આથી તેમનું જ નામ આમંત્રણ પત્રિકામાં છાપવાનું રહી જતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.

હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં આરોગ્યમંત્રી નીતિન પટેલનું નામ જ નથી. 

 

નીતિન પટેલ ભાજપના કદાવર નેતા છે, જે પાટીદાર સમાજમાંથી આવે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની અટકળો તેજ બની હતી. જો કે ભાજપના મોવડી મંડળે વિજય રુપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ સમયે નીતિન પટેલે પોતાને યોગ્ય મંત્રાલયની માંગણી પણ કરી હતી, જેના કારણે તેમની પક્ષ પ્રત્યે નારાજગી સામે આવી હતી.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલની પાછળ નવી અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલ રાજ્યની સૌપ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે. અહીં દર્દીઓના મેડિકલ રેકોર્ડ જાળવી રાખવા માટે ખાસ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. રુપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલની ઈમારતમાં 18મા માળે હેલિપેડની સુવિધા રાખવામાં આવશે, જેથી મેડિકલ ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય.

આ ઉપરાંત, દર્દીના યુરીન અને લોહીના ટેસ્ટ ઝડપથી થઈ જાય અને તેને ટેસ્ટ માટે અન્ય ક્યાંય ના લઈ જવા પડે તે માટે ખાસ ટ્યૂબની વ્યવસ્થા પણ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં 1500 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં 1300 જનરલ બેડ અને 200 સ્પેશિયાલિટી રુમ રાખવામાં આવ્યા છે. અમદાવાદની સૌથી ઊંચી અને અત્યાધુનિક હોસ્પિટલમાં દર્દીઓને મળનારી સુવિધાઓની વાત કરવામાં આવે તો 18 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલા વિસ્તારમાં આ ઈમારત ફેલાયેલી છે.આ હોસ્પિટલની ઊંચાઈ 78 મીટરની છે. આ ઉપરાંત, આ હોસ્પિટલમાં મેડિકલ ગેસલાઈન 32 કિલોમીટર, જ્યારે વોટર ડ્રેનેજ લાઈન 155 કિલોમીટર છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

આ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ખાસ જર્મનીથી લાઈટ મંગાવવામાં આવી છે, જેમાં 1 લાઈટની કિંમત અંદાજે રૂ. 24 લાખ છે.આ હોસ્પિટલને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. A વિભાગમાં ક્રિટીકલ ઈમરજન્સી અને ઓપરેશન થિયેટર છે. જ્યારે B અને C વિભાગમાં વોર્ડની સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત 1500થી વધુ માણસ વેઈટીંગ રુમમાં બેસી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 600 CCTV કેમેરા દ્વારા તમામ ઉપર નજર રાખવામાં આવશે.

આજે વડાપ્રધાન મોદી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના દર્દીઓને તેનો લાભ મળશે.

gujarat ahmedabad narendra modi