PM મોદીના બંદોબસ્તમાં તૈનાત PSIનો ગોળી મારી આપઘાત

17 September, 2019 02:14 PM IST  |  નવસારી

PM મોદીના બંદોબસ્તમાં તૈનાત PSIનો ગોળી મારી આપઘાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે કેવડિયા કોલોની અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી. જો કે આ મુલાકાત દરમિયાન એક અનિચ્છનીય ઘટના બની છે. પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્તમં ફરજ પર હાજર રહેલા નવસારીના PSI એન. સી. ફિણવિયાએ આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક PSI નવસારીના LIBના PSI હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સવારે સરદાર સરોવર ડેમ સાઈટ પહોંચ્યા હતા. પીએમ મોદીના આગમનને લઈ અહીં જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ હતી. સુરક્ષા માટે નવસારી, વડોદરા અને ભરૂચ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમાં નવસારી LIBમાં ફરજ બજાવતા PSI એન. સી. ફિણવિયા પણ તૈનાત હતા. તેમની ડ્યુટી સર્કિટ હાઉસ પર હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતી પ્રમાણે સવારે 10.30 વાગ્યાની આસપાસ ફિણવિયાએ સર્કિટ હાઉસના મુખ્ય ગેટ પર હાજર PSI એમ. બી. કોંકણી પાસેથી ફોટો પડાવવા માટે સર્વિસ રિવોલ્વર માગી અને સર્કિટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોરના પેસેજ પાસે ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચોઃ જન્મ દિવસે આવો છે પીએમ મોદીનો અંદાજ, જુઓ ફોટોઝ 

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મૃતક PSIએ ઉપરી અધિકારીઓની હેરાનગતિ અને દબાણને કારણે જીવન ટૂંકાવ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં આ ઘટના બનતા નવસારી પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન મૃતક ફિણવિયા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. તેઓ 2013ની બેચના પીએસઆઈ હતા.

navsari gujarat news narendra modi