જયંતી ભાનુશાળીની હત્યામાં મનીષા ગોસ્વામીનો મોટો હાથ

13 January, 2019 08:03 AM IST  |  | Rashmin Shah

જયંતી ભાનુશાળીની હત્યામાં મનીષા ગોસ્વામીનો મોટો હાથ

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ખુલાસો

અબડાસાના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં શકમંદ તરીકે તેમના ફૅમિલી મેમ્બરે જે પાંચ નામો આપ્યાં હતાં એ પાંચ નામો પૈકીની મનીષા ગોસ્વામીનો હાથ હોવાનું ફાઇનલી જાણવા મળ્યું છે. ગુજરાત CID (ક્રાઇમ)એ નિયુક્ત કરેલી ટીમ ઉપરાંત કુલ ચાર જિલ્લાની પોલીસ-ટીમ આ કેસ માટે કામ કરતી હતી. અંદાજે દોઢસોથી વધારે પોલીસ-અધિકારીઓની મહેનત પછી હવે કેસ સૉલ્વ થવાની અણી પર છે. જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે જમીનના મુદ્દે ખટરાગ થયા પછી આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. CID (ક્રાઇમ)એ આ કેસમાં પુણેના સુરજિત અને શેખર નામના બે કૉન્ટ્રૅક્ટ કિલરની શોધ પણ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ બન્ને હજી ગુજરાતમાં જ હોઈ શકે છે.

કેવી રીતે મનીષા પર શંકા મજબૂત બની?

મનીષા ગોસ્વામીનું નામ ઑલરેડી જયંતીભાઈની ફૅમિલીએ આપ્યું હતું, પણ તેના સિવાય પણ બીજા ચારનાં નામો આપવામાં આવ્યાં હતાં એટલે તપાસને સાવ સરળ કરવા માટે ઘટના પહેલાંનાં બધાનાં લોકેશન તપાસવાનું શરૂ થયું જેમાં અન્ય ચાર વ્યક્તિઓનાં લોકેશન મળી ગયાં, માત્ર મનીષા ગોસ્વામીનો મોબાઇલ સ્વિચ-ઑફ હતો જેને લીધે પોલીસે મનીષા પર ફોકસ કર્યું. મનીષાની દિશામાં તપાસ કરતાં પોલીસને ખબર પડી કે જયંતીભાઈ, મનીષા, સુરજિત અને શેખર એમ ચારેચાર વ્યક્તિ એકસાથે ભુજ ઍરર્પોટ પર જોવા મળી હતી. આ બાબતનાં CCTV કૅમેરાનાં ફુટેજ પણ મળ્યાં. CID (ક્રાઇમ)ને તપાસ કરતાં એ પણ ખબર પડી કે બધાની ટિકિટ જયંતીભાઈના જ ઓળખીતા એજન્ટ દ્વારા બુક કરવામાં આવી હતી. મુંબઈથી ફ્લાઇટમાં બેસતાં પહેલાં મનીષાનો મોબાઇલ ચાલુ હતો, પણ એ પછી એ મોબાઇલ સ્વિચ-ઑફ થયો જે હજી સુધી ચાલુ નહોતો થયો એટલે પોલીસે આગળની આખી ઘટનાની કડી મેળવવા માટે પણ સીસીટીવી કૅમેરાનાં ફુટેજનો જ આધાર લીધો જેમાં ગાંધીધામના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં ફરી વખત સુરજિત અને શેખર દેખાયા જેના આધારે પોલીસ એ તારણ પર પહોંચી કે એ બન્ને ગાંધીધામથી ટ્રેનમાં ચડ્યા છે.

સુરજિત અને શેખર પર શંકા મજબૂત બની એનો વધુ એક પુરાવો જયંતી ભાનુશાળી સાથે એ જ કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરતા પવન મૌર્યએ આપ્યો. પવન મૌર્યએ આપેલા આરોપીનાં વર્ણન સુરજિત અને શેખરને બિલકુલ મેળ ખાતાં હતાં. સુરજિત અને શેખરના ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજ પવનને દેખાડવામાં આવ્યાં ત્યારે બન્ને આરોપીને પવને ઓળખી બતાવ્યા હતા. પવન મૌર્યએ પોલીસ-સ્ટેટમેન્ટમાં એવું પણ કહ્યું હતું કે આરોપીઓને જોઈને જયંતીભાઈ એવું બોલ્યા હતા, ‘અલ્યા તું?’

આ વાત પણ સુરજિત અને શેખર સાથે લાગુ પડે છે, કારણ કે અત્યાર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે જયંતીભાઈ એ બન્નેને સારી રીતે ઓળખે છે. એવી ધારણા મૂકવામાં આવે છે કે જયંતીભાઈની આ બન્ને સાથેની ઓળખાણ મનીષાએ કરાવી હોઈ શકે છે અને એ ખોટી રીતે કરાવી હશે.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાલીની હત્યા માટે મુંબઈથી બોલાવાયા પ્રોફેશનલ કિલર?

કામ પતાવી ફરી ગયા ભુજ તરફ

સુરજિત અને શેખરે જયંતીભાઈની હત્યા પછી ટ્રેન છોડી દીધી, પણ એ પછી બન્નેને ગાંધીધામ અને ત્યાંથી આગળ ભુજ તરફ ગયા એના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ મળ્યાં છે. ત્રીજી જાન્યુઆરીએ સાથે ફ્લાઇટમાં આવનારા અને પાંચ જ દિવસમાં આઠમીની મધરાતે હત્યા કરવા સુધી પહોંચી જવાની બાબતમાં પોલીસનું અનુમાન એવું છે કે આ પાંચ દિવસમાં કોઈ ડીલ નહીં થયું હોવાથી જ આ અંજામ આવ્યો છે. પોલીસ હવે મનીષા, સુરજિત અને શેખરને શોધવા ઉપરાંત એ મુદ્દો પણ શોધી રહી છે કે એવું તે શું બન્યું હતું કે એક સમયે જે સારાસારી હતી એ પાંચ જ દિવસમાં પ્રીપ્લાન્ડ મર્ડર સુધી પહોંચી ગઈ?

gujarat news