મલેશિયા ગયેલા ત્રણ ગુજરાતી યુવકોનો અપહરણ બાદ છુટકારો

09 August, 2019 11:04 AM IST  |  મલેશિયા

મલેશિયા ગયેલા ત્રણ ગુજરાતી યુવકોનો અપહરણ બાદ છુટકારો

મલેશિયા ગયેલા ત્રણ ગુજરાતી યુવકોનો અપહરણ બાદ છુટકારો

આણંદ જિલ્લાના બોરસદના પપળી ગામના ત્રણ યુવાનો એક વર્ષ પહેલાં રોજગારી માટે મલેશિયા ગયા હતા, જેમને મલેશિયામાં એજન્ટ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હોવાનો વિડિયો યુવાનો દ્વારા પરિવારને મળતાં ત્રણે યુવાનના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, આ ત્રણેય યુવાનો ઈન્ડિયન એમ્બેસીમાં સલામત છે અને બે-ત્રણ દિવસમાં તેમને ભારત મોકલી દેવાશે.
યુવાનો દ્વારા જે વિડિયો મોકલવામાં આવ્યો છે એમાં યુવાનો કહી રહ્યા હતા કે અમને ત્રણ જણને એજન્ટ દ્વારા બે-ત્રણ કલાકથી ગાડીમાં બંધક બનાવાયા હતા. તેઓ ગાડીમાં અમને આમતેમ ફેરવતા હતા. અમને ત્રણ મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો. અમારે ભારત આવવું છે. આ મુદ્દે વિસ્તૃત માહિતી આપતાં બંધક બનાવાયેલા એક યુવાનના ભાઈ કેતુલ પટેલે જણાવ્યું કે એક વર્ષ પહેલાં એજન્ટ દ્વારા અમારો ભાઈ મલેશિયા ગયા હતો. ૬-૭ મહિના તો બધું બરાબર ચાલ્યું. ભાઈ મલેશિયામાં હોટેલમાં નોકરી કરતો હતો, પરંતુ બે-ત્રણ મહિનાથી તેમને પગાર આપવામાં ન આવતાં તેમણે ભારત પાછા જવાનું એજન્ટને કહ્યું તો એજન્ટે તેમને ગાડીમાં બંધક બનાવ્યા હતા.

આ પણ જુઓઃ તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ

તેમણે કહ્યું કે મારા ભાઈની સાથે અન્ય બે યુવાનો પણ હતા. આ ત્રણે યુવાનોનાં નામ હિમાંશુ પટેલ, સુનીલ પટેલ અને પીયૂષ પટેલ છે. ત્યાર બાદ પરિવારજનોએ આણંદના સંસદસભ્ય મિતેશ પટેલ પાસે મદદ માગી હતી. જેને પગલે સંસદસભ્યએ ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને આ ત્રણેય યુવાનોને મુક્ત કરાવ્યા હતા. હાલમાં આ ત્રણેય યુવાનો ઇન્ડિયન એમ્બેસીમાં સલામત છે અને તેમને ભારત મોકલી દેવાશે.

gujarat