કાશ્મીરનું અડધું કામ તો બાકી છેઃ વજુભાઈ વાળા

18 August, 2019 07:42 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

કાશ્મીરનું અડધું કામ તો બાકી છેઃ વજુભાઈ વાળા

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા

કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા ગઈ કાલે પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા ગયા હતા. એ સમયે તેમને કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ-૩૭૦ અને ૩પ-એ વિશે પુછાતાં તેમણે મોઘમ જવાબ આપતાં કહ્યું હતું કે આ તો હજી અડધું કામ થયું છે, પૂરું કામ કરવાનું તો હજી બાકી છે.

વજુભાઈનો ઇશારો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) તરફ હતો એ સમજી શકાય એમ હતું. તેઓ કહેવા એમ માગતા હતા કે અડધું કાશ્મીર સાચા અર્થમાં આપણું થઈ ગયું, પણ બાકીનું કાશ્મીર પાકિસ્તાન પાસેથી લેવાનું હજીબાકી છે.

અડધા બાકીના કામની વાત કરીને વજુભાઈએ હસતાં-હસતાં કહ્યું હતું કે ‘કાશ્મીરનું અડધું બાકીનું કામ આપણા હાથે જ પૂરું થવાનું છે. બદરીનાથ-કેદારનાથ બેઠા છે, મને તેમના પર અતૂટ શ્રદ્ધા છે.’

મજાની વાત એ છે કે વજુભાઈએ વાતને એવી રીતે ફેરવીને રજૂ કરી કે મનમાં શંકા જન્મે કે તેઓ બદરીનાથ-કેદારનાથની જ વાત કરી રહ્યા છે કે બીજેપીની અતૂટ જોડી બની ગયેલા નરેન્દ્ર મોદી-અમિત શાહની વાત કરે છે?

આ વાતની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ વજુભાઈએ જવાબ આપવાને બદલે હસી કાઢ્યું હતું.

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

હર હર મોદી

આ અગાઉ ૨૦૧૪માં લોકસભાના ઇલેક્શન સમયે બીજેપીના સમર્થકો દ્વારા ‘હર હર મહાદેવ’ની જેમ ‘હર હર મોદી’નું સ્લોગન વહેતું કરવામાં આવ્યું ત્યારે અમુક લોકોએ એનો વિરોધ કરતાં નરેન્દ્ર મોદીએ જ આ સ્લોગનનો ઉપયોગ નહીં કરવાનું જાહેર કર્યું હતું. એ પછી આ વખતે પહેલી વખત નામના ઉલ્લેખ વિના મોદીની આડકતરી સરખામણી મહાદેવ સાથે થઈ એવું કહી શકાય.

rajkot karnataka gujarat news jammu and kashmir