27 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

24 August, 2019 08:22 AM IST  |  ગાંધીનગર

27 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે ૨૩ ઑગસ્ટથી ૨૬ સુધી રાજ્યના કોઈ ઠેકાણે ભારે વરસાદની શક્યતા નથી; પરંતુ ત્યાર બાદ એટલે કે ૨૭ ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે.

ઑગસ્ટ મહિનાના પ્રારંભથી જ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં લોકોને રાહત થઈ હતી તો વડોદરામાં એક જ દિવસે ૧૮ ઇંચ વરસાદ થતાં શહેર આખું બેટમાં ફેરવાયું હતું. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાંથી વરસાદે વિરામ લીધો હોવાથી દિવસે ગરમીમાં પણ વધારો થયો છે.

બીજી તરફ રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. ગુરુવારે અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય અન્ય શહેરોમાં ગાંધીનગરનું તાપમાન ૩૩ ડિગ્રી, વડોદરાનું ૩૪.૪ ડિગ્રી, સુરતનું ૩૨.૫ ડિગ્રી, ભાવનગરનું ૩૩.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૩૪.૫ ડિગ્રી તેમ જ કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી નોધાયું હતું. હજી પણ ઑગસ્ટ મહિનો બાકી છે ત્યારે વરસાદનો રાઉન્ડ આવશે એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી. ભાદરવા મહિનામાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે એવા ઊજળા સંજોગો છે. અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઑગસ્ટની શરૂઆતથી પંદર દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો.

gujarat news Gujarat Rains