દેહવ્યાપાર માટે ગુજરાતમાં બદનામ વાડિયામાં ઢોલ ઢબૂક્યાં

19 May, 2019 07:15 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

દેહવ્યાપાર માટે ગુજરાતમાં બદનામ વાડિયામાં ઢોલ ઢબૂક્યાં

ગુજરાતના વાડિયા ગામમાં લેવાયા લગ્ન

દેહવ્યાપાર માટે બદનામ થયેલા ગુજરાતના વાડિયા ગામમાં ઉત્સાહભેર ઢોલ ઢબૂક્યાં હતાં અને ગુરુવારે વાજતેગાજતે ૪ દીકરીઓનાં લગ્ન યોજાયાં હતાં. આ ગામની યુવતીઓને પરણાવી સંસારમાં ઠરીઠામ કરાવવાની અમદાવાદની મિત્તલ પટેલની સરાહનીય પહેલ બાદ ગામના સમજુ નાગરિકોએ નિર્ણય કર્યો હતો કે હવે દરેક ઘરની છોકરીઓ પરણશે.

ગુરુવારે વાડિયા ગામમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગામની ૪ દીકરીઓનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ સંસ્થા અને સેવાભાવી નાગરિકોના સહકારથી છેલ્લા બે મહિનામાં ૭ દીકરીઓનાં લગ્ન સાથે કુલ ૧૧ દીકરીઓને પરણાવાઈ છે. મિત્તલ પટેલ અને તેમની ટીમ તેમ જ સેવાભાવી નાગરિકોના સંનિષ્ઠ પ્રયાસ અને મહેનત ધીરે-ધીરે રંગ લાવી રહી છે. ગામની દીકરીઓની બદસૂરત જિંદગી હવે ખૂબસૂરત બની રહી છે અને બદનામ વાડિયા ગામ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યું છે.

વિચરતા સમુદાય સમર્થન મંચના મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સંસ્થા દ્વારા વાડિયા ગામની ૪ દીકરીઓનાં લગ્ન કરાવાયાં હતાં. આ પહેલાં બે મહિનામાં ગામની ૭ દીકરીઓને પરણાવાઈ છે. ગામની દીકરીઓ બદનામીમાંથી બહાર નીકળી રહી છે. હવે પહેલાં જેવું નથી રહ્યું. વાડિયામાં બદલાવ આવી રહ્યો છે અને જે માટે ગામ બદનામ છે તેમાંથી બહાર કાઢવા તૈયાર છે. ગામના નાગરિકો પણ હવે લગ્નપ્રસંગમાં સહયોગ આપી રહ્યા છે અને નિયમ કર્યો છે કે દરેક ઘરની છોકરીઓ પરણશે.’

આ પણ વાંચો ઃ મળો એક એવી મહિલાને જેણે વિચરતી, વિમુક્ત જાતિઓને અપાવી ઓળખ

ઉલ્લેખનીય છે કે પહેલી વાર ૨૦૧૨ના વર્ષમાં મિત્તલ પટેલે હેરાનગતિ વચ્ચે પણ વાડિયા ગામની ૨૦ છોકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં. અત્યાર સુધીમાં મિત્તલ પટેલની સંસ્થા દ્વારા ૩૫ યુવતીઓનાં લગ્ન કરાવાયાં છે.

ahmedabad gujarat news