ભરૂચમાં 6 વર્ષ બાદ પૂરનાં પાણી શહેરમાં પ્રવેશ્યાં, તંત્ર સાબદું બન્યું

11 September, 2019 08:35 AM IST  |  ભરૂચ

ભરૂચમાં 6 વર્ષ બાદ પૂરનાં પાણી શહેરમાં પ્રવેશ્યાં, તંત્ર સાબદું બન્યું

નર્મદા ડૅમ

સરદાર સરોવર ડૅમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતાં ભરૂચ નજીકના ગોલ્ડન બ્રિજની સપાટી ૩૦ ફુટને પાર કરી દેતાં ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નર્મદાનાં પાણી ફરી વળતાં જ્યાં વાહનો ચાલતાં હતાં ત્યાં આજે બોટ ફરતી જોવા મળતાં ભરૂચવાસીઓએ ૨૦૧૩ની ઘટનાને ફરી યાદ કરી હતી. નર્મદામાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક જળસપાટી ૩૩ ફુટને વટાવે એવી સંભાવના જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, જનજીવન ખોરવાયું

સરદાર સરોવર ડૅમની જળસપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા ડૅમના ૨૩ દરવાજા ખોલીને સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેને કારણે નર્મદા નદીમાં પાણીની આવક થતાં કાંઠાવિસ્તારના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરાયા હતા, પરંતુ સતત નર્મદા નદીની જળસપાટીમાં વધારો થતાં ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળસપાટી ૩૦ ફુટ વટાવી દેતાં સમગ્ર પાણી ભરૂચ નજીકના દાંડિયા બજાર, રોકડિયા હનુમાન, ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, લાલ બજાર, બહુચરાજી ઓવારા, ફુરજા બંદર સહિતનાં અનેક સ્થળોએ નર્મદા નદીનાં પાણી શહેરમાં પ્રવેશી રહ્યાં છે જેને લઈને કાંઠાવિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પાંચ વિવિધ ટીમ બનાવી અસરગ્રસ્તોનાં સ્થળાંતર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા નાળિયેરી બજારમાં જ્યાં વાહનો ફરતાં હતાં એ જગ્યાએ આજે નાવડીઓ ફરતી જોવા મળી હતી.

gujarat Gujarat Rains