આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી

29 July, 2019 07:20 AM IST  |  ગાંધીનગર

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૯ જિલ્લાના ૧૦૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૨૮ જુલાઈની સવારે ૬ વાગ્યા સુધી સીઝનનો સરેરાશ ૩૨.૬૦ ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ડાંગના આહવામાં ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડના કપરાડામાં પોણાત્રણ ઇંચ અને ડાંગના સુબરીમાં પોણાત્રર ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય એ માટે બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમ જ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

૨૪ કલાકમાં ડાંગના વઘમાં ૨.૫ ઇંચ, નર્મદાના નાંદોમાં ૨.૫ ઇંચ, વલસાડના વાપીમાં પોણાબે ઇંચ, તાપીના નિઝરમાં ૧.૫ ઇંચ, વલસાડના ધરમપુરમાં ૧.૫ ઇંચ, તાપીના વલસાડમાં ૧.૫ ઇંચ, તાપીના વાલોદમાં ૧.૫ ઇંચ, સુરતના મહુવા અને માંગરોળમાં ૧.૫ ઇંચ, વડોદરાના સિનોરમાં ૧.૫ ઇંચ, ભરૂચના આમોદમાં સવા ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં સવા ઇંચ, વલસાડના ઉમરગામમાં સવાબે ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : વાવમાં 4 કલાકમાં 7 ઇંચ ખાબક્યો

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આ આગાહીના પગલે તંત્ર સાબદું કરાયું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે જે સંદર્ભે જિલ્લામાં એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે. ૨૭ સભ્યોની NDRFની ટીમ બચાવ સાધનસામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહીને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે એ માટે NDRFની ટીમ હાલ બનાસકાંઠા સ્ટૅન્ડ બાય રખાઈ છે.

Gujarat Rains news gandhinagar