આનંદીબેન પટેલની થઈ શકે છે ઘરવાપસી, મળી શકે છે ગુજરાતની આ જવાબદારી

08 July, 2019 04:35 PM IST  |  ગાંધીનગર

આનંદીબેન પટેલની થઈ શકે છે ઘરવાપસી, મળી શકે છે ગુજરાતની આ જવાબદારી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલનું ગુજરાતના રાજકારણમાં કમબેક થઈ શકે છે. ગાંધીનગરની ગલીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે આનંદીબહેન પટેલને ગુજરાતના રાજકારણમાં મોટી જવાબદારી મળી શકે છે. ચર્ચા એવી છે કે આનંદીબહેન પટેલને ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ સોંપાઈ શકે છે.

પૂરો થઈ રહ્યો છે ઓ. પી. કોહલીનો કાર્યકાળ

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ. પી. કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ 15 જુલાઈએ પૂર્મ થઈ રહ્યો છે. ઓ. પી. કોહલીને 16 જુલાઈ 2014ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કરાયા હતા. ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ઓ. પી. કોહલીની રાજ્યના ગવર્નર તરીકે નિમણૂંક થઈ હતી. વચ્ચે એવી પણ ચર્ચા હતી કે વિવાદ વગરની કરિયરને કારણે કેન્દ્ર સરકાર રાજ્યપાલને ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે છે. જો કે હવે રાજ્યપાલ તરીકે આનંદીબહેન પટેલને જવાબદારી મળે તેવી શક્યતા છે. જો આમ થશે તો આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સાથે સાથે ગુજરાતનો પણ ચાર્જ સંભાળશે. જ્યાં સુધી નવા રાજ્યપાલની નિમણૂંક ન થાય ત્યાં સુધી આનંદીબહેન પટેલને જવાબદારી મળી શકે છે.

મુખ્યપ્રધાન પદ પરથી આપ્યું રાજીનામુ

ઉલ્લેખનીય છે કે આનંદીબહેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન હતા. જો કે તેમના સમયમાં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન ખૂબ જ ઉહાપોહ થયો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. જે બાદ આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું હતું. આનંદીબહેનના રાજીનામા પાછળ ભાજપનું આંતરિક રાજકારણ પણ જવાબદાર ગણાવાયું હતું. અને આનંદીબહેન પટેલ રાજ્ય સભા તેમજ લોક સભાની ચૂંટણી લડે તેવી પણ શક્યતા દર્શાવાતી હતી.

આ પણ વાંચોઃ Video: કચ્છની કોયલ ગીતા રબારીએ વડાપ્રધાન મોદીને સમર્પિત કર્યું આ ગીત

મધ્યપ્રદેશના રાજ્યપાલ છે આનંદીબહેન

જો કે કેન્દ્ર સરકારે આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલની જવાબદારી સોંપી હતી. જાન્યુઆરી 2018માં આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તે સમયે પણ ઓમ પ્રકાશ કોહલી એટલે કે ગુજરાતના રાજ્યપાલ પાસે મધ્યપ્રદેશનો હવાલો હતો.

gujarat news gandhinagar