ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે અનલિમિટેડ, સરકારે કર્યા આંકડા જાહેર

11 July, 2019 04:26 PM IST  |  ગાંધીનગર

ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે અનલિમિટેડ, સરકારે કર્યા આંકડા જાહેર

ગુજરાત રાષ્ટ્રપિતા ગાંધીની જન્મભૂમિ છે, અને ગાંધીનું ગુજરાત હોવાના નાતે આપણા રાજ્યમાં દારૂબંધી છે. જો કે કાગળ પરની દારૂબંધી છતાંય રાજ્યમાં દારૂ અવારનવાર પકડાતો રહે છે. રાજ્ય સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા પ્રમાણે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ અનલિમિટેડ મળી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 15.40 લાખ લિટર દેશી દારૂ, 1 કરોડ 29 લાખથી વધુ બોટલ્સ, બિયરની 17.34 લાખ બોટલ્સ પકડાઈ છે. આ તમામની કિંમત 2 અબજથી વધુની થવા જાય છે.

વિધાનસભાના ચોમાસું સત્રમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા છેલ્લા બે વર્ષમાં પકડાયેલા દેશી વિદેશી દારૂ અને વેચાણના કેસ, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે માહિતી માગવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસ નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દેશી દારૂના 1 લાખ 32 હજાર 415 કેસ, વિદેશી દારૂના 29,989 કેસ નોંધાયા છે. દિવસ વાર જોઈએ તો દેશી દારૂના રોજ 181 કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે વિદેશી દારૂના દૈનિક 41 કેસ નોંધાય છે. આ કેસમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.

આ પણ વાંચોઃ રોજ 55 લોકો કરી રહ્યા છે આત્મહત્યા, રાજ્ય સરકારનો ચોંકાવનારો ખુલાસો

દારૂના કેસમાં સુરતનો નંબર સૌથી ઉપર છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી વધારે દેશી દારૂ વેચાણના કેસમાં સુરતમાં 13, 661 કેસ નોંધાયા છે. એટલું જ નહીં વિદેશી દારૂ વેચાણના કેસમાં પણ સુરત 6,028 કેસ સાથે ગુજરાતમાં મોખરે છે. આ ઉપરાંત દારૂના કેસમાં આરોપીઓ પકડવામાં પણ સુરત 28,420 સાથે અવ્વલ રહ્યું છે. વિદેશી દારૂના વેચાણના કેસમાં સુરત પછી દાહોદનો નંબર આવે છે. દાહોદમાં 2525 કેસ, ડાંગમાં 2399 કેસ, નવસારીમાં 2231 કેસ અને પંચમહાલમાં 1531 કેસ નોંધાયા છે. દારૂના કેસમાં આરોપીઓ પકડવામાં સુરત પછી વડોદરામાં 19444, અમદાવાદમાં 13956, ભરૂચમાં 11814 અને નવસારીમાં 9177 આરોપીઓ પકડાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં 370, દાહોદ 300, સુરત 286, બનાસકાંઠા 199 અને ભરૂચમાં 193 આરોપીઓ પકડવાના બાકી છે.

gujarat news gandhinagar