અમદાવાદમાં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આજે 100મા વર્ષમાં પ્રવેશ કરશે

18 October, 2019 08:46 AM IST  |  અમદાવાદ

અમદાવાદમાં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આજે 100મા વર્ષમાં પ્રવેશ કરશે

ગૂજરાત વિદ્યાપીઠ

દેશની આઝાદીની લડત જેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં અહિંસક રીતે લડાઈ હતી એ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં ૧૯૨૦માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠનો આજે ૧૦૦મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી સંસ્થા તરીકે ઓળખ આપવા માટે દેશના વાઇસ ચાન્સેલર્સની નૅશનલ કૉન્ફરન્સમાં ઠરાવ કરીને માગણી ઊઠી છે.

મહાત્મા ગાંધીજીનાં ૧૫૦ વર્ષ અને ગૂજરાત વિદ્યાપીઠનાં ૧૦૦મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસની વાઇસ ચાન્સેલર્સ નૅશનલ કૉન્ફરન્સ યોજાઇ હતી જેમાં દેશભરની જુદી-જુદી યુનિવર્સિટીઓના ૧૦૦થી વધુ કુલપતિઓ, શિક્ષણકારો અને તજજ્ઞોએ ભાગ લીધો હતો. બે દિવસની આ નૅશનલ કૉન્ફરન્સમાં ‘મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો’ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ કૉન્ફરન્સ દરમ્યાન ગૂજરાત વિદ્યાપીઠને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકે ઓળખ આપવાનો અને ગાંધી ૧૫૦ વર્ષ દરમ્યાન દેશની વિવિધ યુનિવર્સિટીમાં ગાંધી વિષય પરના કાર્યક્રમો યોજાય એ અંગે ઠરાવો થયા હતા.

એવી ચર્ચા થઈ હતી કે ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ આઝાદીની લડતનું કેન્દ્ર બની હતી. વિદ્યાપીઠમાં અનેક નેતાઓ આવતા હતા તેમ જ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ – શિક્ષકોએ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળ માટેની આ મહત્વની વિરાસત કહી શકાય, જેથી એને મહત્ત્વની સંસ્થા તરીકે દરજ્જો આપવો જોઈએ એવું સૂચન થયું હતું.

ગૂજરાત વિદ્યાપીઠને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકે ઓળખ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો તે મુદ્દે વિદ્યાપીઠ મંડળના નિયામક ડૉ. રાજેન્દ્ર ખિમાણીને પૂછતાં તેઓએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘હા, વાત સાચી છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ આ ઠરાવ કર્યો છે. એ ઠરાવ સંબંધિત સત્તાવાળાઓને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા મોકલી આપવામાં આવશે.’

gujarat ahmedabad