69 વર્ષનાં કાન્તાબહેનના અવયવદાનથી 5 વ્યક્તિઓને મળ્યું જીવનદાન

15 November, 2019 12:04 PM IST  |  Surat | Tejash Modi

69 વર્ષનાં કાન્તાબહેનના અવયવદાનથી 5 વ્યક્તિઓને મળ્યું જીવનદાન

બ્રેઇન-ડેડ કાન્તાબહેન સાવલિયા સાથે તેમના પરિવારના સભ્યો.

સુરતને દાનવીરોનું શહેર કહેવામાં આવે છે અને અહીં રહેતા લોકો ખરા અર્થમાં દાનવીર બન્યા છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનાં બ્રેઇન-ડેડ કાન્તાબહેન દુર્લભજીભાઈ સાવલિયાના પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી તેમનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હુડલી ગામનાં વતની કાન્તાબહેન દુર્લભજીભાઈ સાવલિયા છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરતમાં પરિવાર સાથે રહે છે. ૬૯ વર્ષનાં કાન્તાબહેન ગઈ ૯ નવેમ્બરના સુરતના અડાજણમાં TGB હોટેલ પાસે આવેલી માલવિયા પૅથોલૉજી લૅબોરેટરીમાં બ્લડ-ટેસ્ટ કરાવીને તેમનાં પુત્રવધૂ સાથે ઍક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના ઘરની પાસે ચક્કર આવતાં ઍક્ટિવા પરથી નીચે પડી જતાં માથામાં ઈજાઓ થવાથી તેઓ બેભાન થઈ ગયાં હતાં. તેમને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં માલવિયા હૉસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સાંજે ૭ વાગ્યે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સી.ટી. સ્કૅન કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. જોકે કાન્તાબહેનને તબીબો દ્વારા બ્રેઇન-ડેડ જાહેર
કરાયાં હતાં.

હૉસ્પિટલ દ્વારા ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી કાન્તાબહેન બ્રેઇન-ડેડ હોવા અંગેની માહિતી આપવામાં આવી હતી. ડોનેટ લાઇફની ટીમે હૉસ્પિટલ પહોંચી કાન્તાબહેનના પતિ દુર્લભજીભાઈ, પુત્ર નરેશ તેમ જ પરિવારના અન્ય સભ્યોને ઑર્ગન ડોનેશનની જાણકારી આપી એનું મહત્ત્વ સમજાવ્યું. કાન્તાબહેનના પતિ દુર્લભજીભાઈ અને પુત્ર નરેશે જણાવ્યું કે તેઓ ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં હતાં અને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલાં હતાં. મારા પિતરાઈ ભાઈની બન્ને કિડની ૨૦૦૯માં ખરાબ થઈ ગઈ હતી અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ ૨૦૧૦માં થયું હતું ત્યારે તેમની માતાએ એક કિડની આપી હતી. આથી આજે અમારું સ્વજન બ્રેઇન-ડેડ છે ત્યારે તેમનાં અંગોના દાન થકી ઑર્ગન નિષ્ફળતાના દરદીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે અમે તૈયાર છીએ.

અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની ટીમે સુરત આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું, જયારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબૅન્કે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દરદીઓમાં અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : 16 ચેકપોસ્ટ થશે નાબુદ

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ દ્વારા ૩૪૯ કિડની, ૧૪૦ લિવર, ૭ પૅન્ક્રિયાસ, ૨૪ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૪ ચક્ષુઓ કુલ ૭૭૮ અંગો અને ટશ્યિિઓનું દાન મેળવીને આટલી વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

gujarat surat