સુરત બજારમાં દેશી ડુંગળીની માગ ઘટીઃ તુર્કીના કાંદાની બોલબાલા

31 December, 2019 08:59 AM IST  |  Surat

સુરત બજારમાં દેશી ડુંગળીની માગ ઘટીઃ તુર્કીના કાંદાની બોલબાલા

કાંદા

સુરતની બજારોમાં તુર્કીથી આવેલી સસ્તી ડુંગળીની બોલબાલા જોવા મળી રહી છે. ડુંગળીના ભાવ આસમાને છે અને ૧૦૦-૧૨૦ રૂપિયે કિલો વેચાઈ રહેલી દેશી ડુંગળી ગ્રાહકોને રડાવી રહી છે ત્યારે તુર્કીની ડુંગળી ૭૦-૮૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. આ સસ્તી ડુંગળી ખરીદીને સુરતીઓ સ્વાદનો ચટાકો માણી રહ્યા છે. જોકે સાઇઝ મોટી હોવાના કારણે હોટેલોમાં તુર્કીમાં માગ છે, ગૃહિણીઓને આ ડુંગળી ખાસ માફક આવી રહી નથી.

દેશી ડુંગળીના ભાવમાં ઘટાડો બે મહિના સુધી થાય એવી શક્યતા નથી ત્યારે તુર્કીની ડુંગળી ધૂમ મચાવશે. જોકે આ ડુંગળી ટેનિસના બૉલની સાઇઝની છે જેથી ગૃહિણીઓને એની ફાવટ આવે કે નહીં એ મોટો સવાલ છે. પરંતુ સસ્તા ભાવે સ્વાદની સોડમ માણનારા સુરતીઓને આ ડુંગળીનો ચટાકો રેસ્ટોરાંની ડિશમાં માણવા મળશે. એક્સપર્ટના મતે તુર્કીની ડુંગળી કાપતાં એમાંથી પાણી ખૂબ નીકળી રહ્યું છે.

આ પણ વાંચો : આનંદો : સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર પ્રવાસીઓને ફ્રિમાં પાણી મળશે

સુરતના વેપારીએ મંગાવેલી ડુંગળીની સાઇઝ અને સ્વાદના કારણે કેટલી વેચાશે એનું નક્કી નથી, પરંતુ નાશિકની ડુંગળી હાલ તો સસ્તી થવાનો કોઈ અણસાર દેખાઈ રહ્યો નથી. માર્કેટમાં હાલમાં નાશિક અને સૌરાષ્ટ્રની ડુંગળી વેચાઈ રહી છે. આ ડુંગળીના ભાવ રીટેલ માર્કેટમાં વધારે છે, જ્યારે હોલસેલ માર્કેટમાં ૭૦-૮૦ રૂપિયા કિલો સુધી પહોંચ્યા છે. જોકે આ તમામ ઘટનાક્રમની વચ્ચે વિદેશી ડુંગળી સસ્તા ભાવે દેશી ડુંગળીનો વિકલ્પ બની છે.

gujarat surat onion prices