દક્ષિણ ગુજરાતમાં કડાકાભડાકા સાથે ભારે વરસાદ, ઉમરપાડામાં 2 કલાકમાં ૩ ઇંચ

27 September, 2019 07:39 AM IST  |  સુરત

દક્ષિણ ગુજરાતમાં કડાકાભડાકા સાથે ભારે વરસાદ, ઉમરપાડામાં 2 કલાકમાં ૩ ઇંચ

ગુજરાતમાં ભારે વરસાદ

અપર ઍર સર્ક્યુલેશનથી હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કડકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં બે કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ડાંગના આહવામાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. દક્ષિણ ગુજરાતના ૨૨ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની સાથે સુરતના સરથાણા વિસ્તારમાં વીજળી પડી હતી.

સુરતમાં ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ રમાવા પર અનિશ્ચિતતા છવાઈ છે. લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમ વિસ્તારમાં ઓછો વરસાદ વરસતાં ક્રિકેટપ્રેમીઓમાં મૅચ રમાઈ એવી આશા છે. જોકે વાદળછાયા વાતાવરણના કારણે ક્રિકેટ મૅચ રદ થાય અથવા તો ઓછી ઓવરની રમાય એવી આશંકા સેવાઈ રહી છે.

સરથાણા જકાતનાકા વિસ્તારમાં ગઈ કાલે શાંતિનગર-૨માં વીજળી પડી હતી. ત્યારે ફરી એ જ રીતે આજે ભૂમિ પાર્ક સોસાયટીની પહેલી શેરીમાં સોલર હીટરની પાઇપ પરથી ઊતરીને છત પર વીજળી પડી હતી. વીજળી પડતાં આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો.

હાલ યુવાનોમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે તો મેઘરાજા પણ વિદાય લેવાના સમયે જ જમાવટ બોલાવી રહ્યા છે. એવામાં હવામાન વિભાગે વધુ એક વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. એના કારણે નવરાત્રિ આયોજકો પણ વિસામણમાં મુકાયા છે.

હવામાન ખાતાએ અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

gujarat Gujarat Rains surat vadodara