ખેત તલાવડી કૌભાંડ: અધિકારી પાસેથી 10 કરોડ રૂપિયાની સંપત્તિ મળી

29 December, 2019 09:13 AM IST  |  Surat

ખેત તલાવડી કૌભાંડ: અધિકારી પાસેથી 10 કરોડ રૂપિયાની સંપત્તિ મળી

પ્રવીણ પ્રેમલ

ગુજરાતના સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારના વિવાદિત રહેલા જમીન વિકાસ નિગમના ભૂતપૂર્વ અધિકારીની આવક કરતાં ૨૦૧.૬૨ ટકા વધુ સંપત્તિ સામે આવતાં લાંચ-રુશવત વિભાગે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે.

ગુજરાત જમીન વિકાસ નિગમની ગાંધીનગરની ઑફિસમાં ઍન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ના દરોડા વખતે રોકડા ૫૬ લાખ રૂપિયા મળી આવ્યા હતા, જેના આધારે સમગ્ર રાજ્યમાં એસીબીએ જીએલડીસીના અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હતી. એમાં વલસાડ ઑફિસના મદદનીશ નિયામક પ્રવીણ પ્રેમલ દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી, જેને પગલે એસીબીએ અલગ-અલગ ૪૧ ગુના નોંધ્યા હતા, જે પૈકી ૨૬ ગુનાઓમાં પ્રેમલ મુખ્ય આરોપી હતા. આ તમામ ગુનાઓમાં ૨,૬૧,૭૦,૯૨૪ રૂપિયાની ગેરરી‌તિ આચરી સરકારને નાણાકીય નુકસાન પહોંચાડાયું હતું.

પ્રવીણ પ્રેમલનો પુત્ર ચિરાગ ગૅન્ગ-લીડર હતો. ચિરાગ થકી ૩,૯૨,૮૬,૫૨૦ રૂપિયા પ્રવીણ અને તેમની પત્ની દમયંતીનાં બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, જેનો ઉપયોગ વ્યક્તિગત નામે મિલકતો વસાવવામાં કર્યો હતો. એસીબીની તપાસમાં પ્રેમલના પરિવારના નામે લક્ઝુરિયસ કાર બીએમડબ્લ્યુ, ફ્લૅટ, ખેતીની જમીન, દુકાનો, રેસ્ટોરાં-પ્લૉટ મળી કુલ ૩ સ્થાવર જંગમ મિલકતો વસાવી છે અને સાથે જ તેમના કુટુંબીજનો દ્વારા તેમનાં જુદાં-જુદાં ખાતાંઓમાં ૪,૨૬,૭૭,૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં હાડ થિજાવતી ઠંડીઃ નલિયા 3.6 ડિગ્રી સાથે ઠૂંઠવાયું

નોટબંધીના સમયગાળા બાદ ૪૫,૭૫,૪૦૦ રૂપિયા કૅશ જમા કરાવવામાં આવ્યા હતા. આમ પ્રેમલે કુલ ૧૦,૫૪,૫૭,૪૧૦થી વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હતી. એસીબી દ્વારા પ્રેમલ, તેમની પત્ની અને પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

gujarat surat