બૅન્ક ઑફ બરોડાના એટીએમમાં છેડછાડ કરીને લાખો રૂપિયા કાઢનાર ચાર પકડાયા

12 November, 2019 09:35 AM IST  |  Surat

બૅન્ક ઑફ બરોડાના એટીએમમાં છેડછાડ કરીને લાખો રૂપિયા કાઢનાર ચાર પકડાયા

પ્રતીકાત્મક તસવીર

બૅન્ક ઑફ બરોડાની ભાગા તળાવ બ્રાંચના એટીએમમાં ગઠિયાઓએ છેડછાડ કરીને ત્રીસેક વાર મળી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાની મેવાત ગૅન્ગના ચાર ઠગને પકડી પાડ્યા છે.
પોલીસ-સૂત્રોએ જણાવ્યા અનુસાર બૅન્ક ઑફ બરોડાના ભાગા તળાવ બ્રાન્ચમાં બૅન્કનું એટીએમ છે. ૮ નવેમ્બરે એક કસ્ટમર બૅન્કમાં આવ્યો અને તેણે મૅનેજરને ફરિયાદ કરી કે તમારું એટીએમ વારંવાર બંધ રહે છે. એના આધારે બૅન્કે તપાસ કરતાં ખબર પડી કે ૧૦થી ૧૩ ઑક્ટોબર અને ૧થી ૪ નવેમ્બર દરમ્યાન ઘણી વખત એટીએમ બંધ રહ્યું છે એથી આ સમયગાળા દરમ્યાનનાં એટીએમના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં બૅન્ક અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.

આ સમયગાળામાં કેટલાક શંકાસ્પદ ઇસમો એટીએમમાં આવે છે અને તેઓ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે મશીનની ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દે છે અને ત્યાર બાદ મશીનમાંથી રૂપિયા કાઢી લેતા હતા. આમ ૩૦થી વધુ વખત એટીએમમાં આવીને બે મશીનમાં છેડછાડ કરી હતી. ત્યાર બાદ જે બૅન્કના કસ્ટમર હોય એના કસ્ટમર કૅર પર જઈને દાવો કરતા કે એટીએમમાંથી રૂપિયા મળ્યા નથી. આ રીતે ગઠિયાઓએ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા.

આ પણ વાંચો : દિવાળી બાદ સ્ટૅચ્ય‍ુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓમાં 50 ટકાનો વધારો નોંધાયો

આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે જે એટીએમમાં સિક્યૉરિટી ગાર્ડ ન હોય ત્યાં જઈને રૂપિયા ઉપાડતા હતા. મશીનમાંથી રૂપિયા બહાર આવે એ વખતે મશીનની ઇલેક્ટ્રિક-સપ્લાય બંધ કરી દેતા હતા અને રૂપિયા ખેંચીને લઈ લેતા હતા, જેથી રૂપિયા મળી જાય, પણ ટ્રાન્જેક્શન પૂરું થતું નહોતું.

surat gujarat