બ્રેઈન ડેડ થતાં મહિલાના અંગોનું દાન કરી 5 જણને મળ્યું નવું જીવન

16 December, 2019 09:53 AM IST  |  Surat

બ્રેઈન ડેડ થતાં મહિલાના અંગોનું દાન કરી 5 જણને મળ્યું નવું જીવન

બ્રેઇન-ડેડ થયેલાં શીલાબહેન દેસાઈ (ઇનસેટ)માં તેમ જ એમના પરિવારના સભ્યો.

મિડ-ડે પ્રતિનિધિ સુરતવાસીઓ અંગદાનમાં ગુજરાતમાં પહેલા નંબર પર છે, દરમ્યાન અમેરિકાથી સુરત આવેલી મહિલાનું બ્રેઇન-ડેડ થતાં તેમનાં અંગોનું દાન કરી પાંચ જણને નવું જીવન આપવામાં આવ્યું છે.

અમેરિકાના ગ્રીનવૂડ સાઉથ કેરોલિનામાં રહેતાં અને મૂળ સુરતના કતારગામ વિસ્તારનાં શીલાબહેન દેસાઈ પોતાના ભાણેજના લગ્ન હોવાથી ૨૧ નવેમ્બરના રોજ અમેરિકાથી સુરત આવ્યાં હતાં, દરમ્યાન તેમના પિતાનું અવસાન થતાં તેઓ વલસાડ ગયાં હતાં. ગત ૭ ડિસેમ્બરના રોજ લગ્નપ્રસંગની ખરીદી કરીને બપોરે તેમની બહેન રૂપાલી સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે વલસાડના જલારામ ચાર રસ્તા પાસે તેમને ચક્કર આવતાં તેઓ એક્ટિવા પરથી નીચે પડી ગયાં હતાં અને માથામાં ગંભીર ઈજા થવાથી તેઓ બેભાન થઈ ગયાં હતાં. સારવાર દરમ્યાન ન્યૂરોસર્જન ડૉક્ટર દ્વારા ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. જોકે તેમની સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન જ ડૉક્ટરોએ શીલાબહેનને બ્રેઇન-ડેડ જાહેર કર્યાં હતાં.

હૉસ્પિટલના એડમિનિસ્ટ્રેટર દ્વારા ડૉનેટ લાઈફ સંસ્થાનો ટેલિફોનિક સંપર્ક કરી શીલાબહેનના બ્રેઇન-ડેડ અંગેની માહિતી આપી. ડૉનેટ લાઈફની ટીમે હૉસ્પિટલ પહોંચી શીલાબહેનના મામાના દીકરા ડૉ. મીત દેસાઈની સાથે રહી પરિવારજનોને ઑર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવી પૂછ્યું કે શીલાબહેને અમેરિકામાં ડ્રાઇવિંગ લાઇસન્સ લેતી વખતે ઑર્ગન ડોનર તરીકેની નોંધણી કરાવી હતી કે કેમ? શીલાબહેનના પતિ અનિમેશભાઈ, પુત્ર સાહિલ અને પુત્રી એશાએ ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈ જણાવ્યું કે તેઓએ એમના ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ઑર્ગન ડોનર લખાવ્યું હતું. આથી તેઓ જ્યારે બ્રેઇન-ડેડ છે ત્યારે તેમનાં અંગોનાં દાન થકી ઑર્ગન નિષ્ફળતાના દરદીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. જેથી પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં ડૉનેટ લાઈફ દ્વારા કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જ્યારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બૅન્કે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દરદીઓમાં અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં  કરવામાં આવ્યું છે.

gujarat surat