ઊભેલા ટૅન્કર પાછળ ટ્રક અથડાતાં 3 વ્યક્તિઓ અને 7 પશુનાં મોત

13 December, 2019 10:48 AM IST  |  Surat

ઊભેલા ટૅન્કર પાછળ ટ્રક અથડાતાં 3 વ્યક્તિઓ અને 7 પશુનાં મોત

પ્રતીકાત્મક તસવીર

મોડી રાત્રે કિમ-પીપોદરા નજીક રોડ પર ઊભેલા ટૅન્કરમાં ભેંસ ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ અને સાત ભેંસોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ભરૂચના એજન ખાતે રહેતો અજય ઈશ્વરભાઈ પટણી અમદાવાદથી ભેંસો ટ્રકમાં ભરી સુરત આવી રહ્યો હતો. દરમિયાન રાત્રે કિમ-પીપોદરા નજીક આવેલી ભાગ્યોદય હોટેલ પાસે રોડ પર ઊભેલા ટેન્કરમાં ભેંસો ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ભેંસનાં ૬ બચ્ચાં, એક ભેંસની સાથે બેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ગંભીર હાલતમાં સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડાયેલા ઈશ્વર પટણી (ઉ.વ.૫૫)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં હવા પ્રદૂષણ વધ્યું, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 254 થયો

અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કિમ લોકેશનની ૧૦૮ને જાણ કરી હતી, જેથી ૧૦૮ના ઈએમટી અજય ચૌહાણ અને પાઇલટ રાજુ બારોટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતના પગલે બે લોકો કૅબિન અને ત્રણ પાછળના ભાગે પશુઓ વચ્ચે ઈજાગ્રસ્ત હાલતમાં ફસાઈ ગયા હતા જેથી ૧૦૮ના કર્મીઓએ લોકોની મદદથી તમામને બહાર કાઢી હૉસ્પિટલ ખસેડ્યા હતા. એ પૈકી એક ઈશ્વર પટણીનું મોત નીપજ્યું હતું.

gujarat surat