નિત્યાનંદ આશ્રમ વિવાદ: હાઈ કોર્ટમાં હેબિયસ કૉર્પસની સુનાવણી

21 November, 2019 10:05 AM IST  |  Ahmedabad

નિત્યાનંદ આશ્રમ વિવાદ: હાઈ કોર્ટમાં હેબિયસ કૉર્પસની સુનાવણી

નિત્યાનંદ આશ્રમ વિવાદ

હાથીજણ પાસે આવેલા નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હાઈ કોર્ટમાં હેબિયસ કૉર્પસ પર સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન ગુમ યુવતીના પિતા જનાર્દન શર્માએ રજૂઆત કરી હતી કે મારી દીકરીઓ દબાણમાં આવી વ‌િડિયો રિલીઝ કરે છે. અમારી જાણ બહાર બાળકોને બૅન્ગલોરથી અમદાવાદ લઈ જવાયાં હતાં. પુષ્પક સોસાયટીમાં રાખવામાં આવતાં બાળકો પર અત્યાચાર થતો હોય એવી સંપૂર્ણ શક્યતા છે. એની સાથે-સાથે હાઈ કોર્ટે પોલીસને પણ નોટિસ ફટકારી છે. હવે આ મામલે ૨૬ નવેમ્બરે સુનાવણી કરવામાં આવશે.

સોમવારે યુવતીના પિતા જનાર્દન શર્માએ હાઈ કોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી હતી. આ સમયે ગુમ થયેલી યુવતીના પિતા તરફથી ઍડ્વોકેટ પ્રીતેશ શાહે રજૂઆત કરી છે કે તેમની ૨૧ વર્ષની દીકરી લોપામુદ્રા અને રાજશેખરન ઉર્ફે નિત્યાનંદિતા અને ભત્રીજો નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયાં છે. પુષ્પક સોસાયટી ખાતે તેમને લઈ જવાયાં હતાં ત્યાં તેમનાં માતા-પિતા અનેક વખત સંતાનોને મળવા ગયાં હતાં. પરંતુ આશ્રમના સંચાલકોએ તેમને મળવા દીધા નથી. તેમને કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યાની શંકા છે. આ બન્ને પાસે આશ્રમમાં બાળમજૂરી જેવાં કામો કરાવતા હતા. પુષ્પકમાં બીજાં પણ ૧૫ બાળકોને ગોંધી રાખ્યાની રજૂઆત કરાઈ હતી. આ તમામ બાળકોને નિત્યાનંદના આશ્રમમાંથી છોડાવવા દાદ માગી હતી.

નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વની ધરપકડ

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલો સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદોના વમળમાં ફસાયો છે ત્યારે ગુજરાત પોલીસે આશ્રમની પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની બે સંચાલિકાઓની ધરપકડ કરી છે. પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની બે સંચાલિકાન‌ી પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહારના આરોપસર ધરપકડ કરી છે. બે યુવતીઓના પિતાએ તેમની દીકરીઓ ગુમ થયાની ફરિયાદ કરી છે, જેને પગલે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટના પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમ જ પ્રિયાતત્વ સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતાં ફરિયાદી અને બાળકોના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે પોલીસે પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વને આશ્રમ ન છોડવાની નોટિસ પાઠવી હતી.

બે સાધ્વીઓની ધરપકડ મામલે પ્રેસ-કૉન્ફરન્સમાં અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી ડે. ટી. કામરિયાએ જણાવ્યું કે બે સાધ્વીઓએ ચાવી બતાવી હતી, જે પુષ્પક સિટી નામની સોસાયટીનાં બે મકાનોની હતી. બાળકોને ગોંધી રાખવાનો પુરાવો મળતાં પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની ધરપકડ કરાઈ છે.

પોલીસે જણાવ્યું કે હાલ તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાની સગીરાઓ સાથે દુર્વ્યવહાર કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં વધુ બે બાળકોનાં નિવેદન બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તેમણે તાબડતોબ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી હતી. બન્ને સંચાલિકાઓ વિરુદ્ધ પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરાઈ છે.

ડીપીએસએ આશ્રમ ખાલી કરવા નોટિસ આપી

દિલ્હી પબ્લિક સ્કૂલના સીઈઓ મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદનાં અનુયાયી હોવાનું સામે આવ્યું હતું અને તેમણે કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી અંતર્ગત આશ્રમને જગ્યા આપવા માટે કરાર કર્યો હતો. જોકે આ મામલે રાજ્ય સરકાર અને કલેક્ટર ઑફિસે આકરું વલણ અપનાવતાં સ્કૂલે આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે, જેથી આશ્રમે કૅમ્પસ ખાલી કરવું પડશે.

આ પણ વાંચો : DPS સ્કુલે નિત્યાનંદ આશ્રમ વિવાદ પર લીધો મહત્વનો નિર્ણય

દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યએ જણાવ્યું, ‘અમે આશ્રમ સાથેનો કરાર હતો એ ટર્મિનેટ કરી દીધો છે. વર્તમાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ જોતાં અમે પાંચ વર્ષની લીઝ હતી એ રદ કરી છે. આ લીઝ જૂનથી શરૂ થઈ હતી. આશ્રમે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જમીન માગી હતી. જોકે અમે વર્તમાન સ્થિત‌િને જોતાં આ નિર્ણય કર્યો છે. અમે કાયદાનું પાલન કરનારા વ્યક્તિ છીએ. અમારું તેમના આશ્રમમાં જવાનું કોઈ કારણ નથી. વચ્ચે બાઉન્ડરી વૉલ હતી.’

gujarat ahmedabad Crime News