અમદાવાદમાં આયોજિત પતંગોત્સવમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરાઓ

09 January, 2020 09:13 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં આયોજિત પતંગોત્સવમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરાઓ

રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉડાવતા રસિયાઓ તેમ જ નીચે અમદાવાદમાં આયોજિત પતંગોત્સવમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરાઓ. તસવીર : પી.ટી.આઇ.

મુંબઈના બાબુલનાથ વિસ્તારમાં રહેતા ૮૫ વર્ષના દિલીપ કાપડિયા, નાગપાડા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના શહજાદે અબ્બાસ સહિત મુંબઈના ૭ પતંગબાજો ૧૦૮ પતંગની કાઇટ ટ્રેઇન, ૩૦ ફીટની ૮ પૂંછડીવાળી ઑક્ટોપસ કાઇટ સહિત ૨૫ જાતની અવનવી પતંગો લઈને મંગળવારથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પતંગ ચગાવવા માટે અમદાવાદ આવ્યા છે અને મન મૂકીને પતંગ ચગાવી હતી.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મંગળવારથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ શરૂ થયો છે. આ પતંગોત્સવમાં દેશ અને દુનિયાના પતંગબાજો ભાગ લેવા આવી પહોંચ્યા છે જેમાં મુંબઈની ગોલ્ડન કાઇટ કલબના સાત સભ્યો પતંગોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. ૧૦૮ પતંગની કાઇટ ટ્રેન, ૫૦ ફીટની કૉબ્રા કાઇટ, ડેલ્ટા કાઇટ, ૩૦ ફીટની આઠ પૂંછડીવાળી ઑક્ટોપસ કાઇટ સહિત ૨૫ જાતની પતંગ લઈને ઉડાડવા આવ્યા છે. મંગ‍ળવારે પતંગોત્સવ શરૂ થયા બાદ મુંબઈ સહિતનાં શહેરો અને દેશોમાંથી આવેલા પતંગબાજોએ તેમની અવનવી પતંગો ચગાવી હતી.

મુંબઈના દિલીપ કાપડિયા અને શહજાદે અબ્બાસે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૫થી ૩૦ જાતની પતંગો લઈને અહીં આવ્યા છીએ. અમને પતંગ ચગાવવાનો શોખ છે અને પતંગના પૅચ પણ લડાવીએ છીએ. અમારી કલબના અબ્દુલ રઉફ કાઇટ ટ્રેન મેકર તરીકે જાણીતા છે અને ઇનામો પણ જીત્યા છે. તેઓ જ્યારે પતંગ બનાવતા હોય ત્યારે વિદેશી પતંગબાજો પણ જોતા જ રહી જાય છે.

અમારી સાથે અબ્દુલ રઉફ ઉપરાંત હિતેશભાઈ, પીયૂષ ખારવા, કલ્પના ખારવા, નીતા ચાવડા તેમ જ દિલ્હીથી છોટેલાલ કશ્યપ અને પુણેના ગૌતમભાઈ આવ્યા છે. અમારી ક્લબના સભ્યો દેશનાં વિવિધ શહેરો ઉપરાંત તાઇવાન, કોરિયા, વિયેતનામ, ફ્રાન્સ, મલેશિયા સહિતના દેશોમાં પણ યોજાતી વિવિધ પતંગ સ્પર્ધા તેમ જ પતંગોત્સવમાં ભાગ લેવા જાય છે અને ઇનામો પણ જીતી લાવે છે.’

આ પણ વાંચો : અમદાવાદમાં બેફામ ડમ્પરે ચારથી વધુ બાઇકરોને અડફેટે લીધા, ત્રણનાં મોત

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પતંગને લઈને એક હિન્દી ફિલ્મ બની રહી છે જેમાં પતંગની રસપ્રદ સ્ટોરી છે. આ ફિલ્મ માટે ગોલ્ડન કાઇટ કલબને કન્સલ્ટન્ટ તરીકે રાખી છે અને પતંગ સ્પર્ધા તેમ જ પતંગ અંગેના ઇનપુટ લેવામાં આવ્યા છે.’

ahmedabad gujarat