અમદાવાદ: સીએમ રૂપાણીએ કાફલો અટકાવી અકસ્માત પીડિત લોકોને કરી મદદ

29 December, 2018 12:57 PM IST  |  અમદાવાદ

અમદાવાદ: સીએમ રૂપાણીએ કાફલો અટકાવી અકસ્માત પીડિત લોકોને કરી મદદ

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

28 ડિસેમ્બરની રાતે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં સામેલ થવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રાતે 10 વાગ્યા આસપાસ અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે પુરવઠા વિભાગની કાર પલટી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતા સીએમ રૂપાણીએ તેમની કારનો કાફલો અટકાવી દીધો હતો. તેઓ પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પલટી ગયેલી કારની પાસે પહોંચ્યા તેમજ ઇજાગ્રસ્તોને તેમણે ખબરઅંતર પૂછ્યાં.

સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ જાનહાનિ થઈ ન હતી. રૂપાણીએ કારના લોકોને શક્ય તમામ મદદ કરવા માટે પોલીસને જણાવ્યું હતું. આ ઘટના અંગેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ સીએમ રૂપાણી પોતાના કાફલા સાથે જઇ રહ્યાં હતાં ત્યારે પણ રસ્તામાં અકસ્માત થયેલો જોતા તેમણે પોતાનો કાફલો અટકાવી દીધો હતો. ત્યારે અમદાવાદમાં સુઘડ પાસે બાઇક સવાર બે યુવકને અકસ્માત થયો હતો. સીએમ રૂપાણીએ ત્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યુવકોને સિવિલ હોસ્પિટલમાં ખેસડવાની કાર્યવાહી કરાવી હતી.

gujarat ahmedabad