વડોદરામાં તોફાનીઓનો પથ્થરમારો: ACP ભરત રાઠોડને પથ્થરમારામાં ઈજા

21 December, 2019 11:43 AM IST  |  Vadodara

વડોદરામાં તોફાનીઓનો પથ્થરમારો: ACP ભરત રાઠોડને પથ્થરમારામાં ઈજા

વધી રહ્યો છે વિરોધ : વડોદરામાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ ગઈ કાલે નીકળેલી રેલી દરમ્યાન પોલીસ અને મહિલા વિરોધકો વચ્ચે સંઘર્ષ થયો હતો. (તસવીર : પી.ટી.આઈ.)

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હાથીખાના-ફત્તેપુરા વિસ્તારમાં ટોળાએ આજે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે. ટોળાએ જૉઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો હતો. હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળિયામાં પથ્થમારો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કૉમ્બિંગ શરૂ કરી દીધું છે. ફત્તેપુરા અને હાથીખાના બાદ નાગરવાડામાં વિસ્તારમાં પણ તોફાનીઓએ સિટી બસમાં તોડફોડ કરી હતી અને તોફાનીઓની અટકાયત કરવા માટે ગયેલી પોલીસ સામે મહિલાઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા અને મોદી હાય- હાયના નારા લગાવ્યા હતા. પોલીસે પથ્થરમારાના જવાબમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

વડોદરા શહેર પોલીસ-કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે મસ્જિદમાંથી લોકો બહાર નીકળ્યા હતા ત્યારે પૅટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે વિસ્તારની ‌વિડિયોગ્રાફી કરી હતી, પરંતુ મસ્જિદમાંથી બહાર નીકળતા લોકોની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી નહોતી. તેમ છતાં કેટલાક લોકોએ વિડિયોગ્રાફી કરતા હોવાનું કહીને સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સમયે બેથી ત્રણ છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો અને પછી પથ્થરમારો વધી ગયો હતો. આથી પોલીસે જવાબમાં ૧૦થી વધુ ટિયરગૅસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસે ૩ જેટલા તોફાનીઓની અટકાયત કરી છે.

અમદાવાદમાં હિંસા બાદ વડોદરા શહેરના હાથીખાના-ફત્તેપુરા વિસ્તારમાં બપોરના સમયે અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, એથી ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. એથી પોલીસે ટોળાને વિખેરવા માટે ૧૨ જેટલા ટિયરગૅસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં કૉમ્બિંગ હાથ ધર્યું છે અને તોફાનીઓની અટકાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પટેલ ફળિયા આવેલી મસ્જિદમાંથી જુમ્માની નમાઝ બાદ બહાર નીકળેલા લોકોની પોલીસ દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી, જેથી લોકોએ વિડિયોગ્રાફીનો વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જેમાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કૉમ્બિંગની કામગીરી દરમિયાન સ્થાનિક મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

હાથીખાના અને ફત્તેપુરામાં થયેલા એચ ડિવિઝનના એ.સી.પી. ભરત રાઠોડ અને પી.આઇ. એન.બી. જાડેજા પણ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નાગરિકતા કાયદો: કૉંગ્રેસના કૉર્પોરેટર શહેઝાદ પઠાણની પણ ધરપકડ

પથ્થરમારાની ઘટના બાદ વડોદરા શહેરમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે, જેને પગલે માંડવી રોડ પરની દુકાનો બંધ થઈ ગઈ હતી અને પાણીગેટ વિસ્તારમાં પણ લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

gujarat vadodara