અમિત શાહે અમદાવાદ શહેરમાં 800 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

27 October, 2019 12:38 PM IST  |  ગાંધીનગર

અમિત શાહે અમદાવાદ શહેરમાં 800 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

અમિત શાહ

અમદાવાદ શહેરમાં બોપલમાં ૪૪૩૯ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવામાં આવ્યાં : ૩૭૦ અને ૩૫-એ હટ્યા બાદ કાશ્મીરમાં એક પણ ગોળી ચલાવવી પડી નથી : મોદી-મોદીના નારાથી કૉન્ગ્રેસીઓના પેટમાં ચૂંક આવે છે

દિવાળી પહેલાં જ અમદાવાદ શહેરને દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વરદ હસ્તે અમદાવાદ શહેરમાં ૮૦૦ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ થયું હતું જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, ૫ જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલમાં આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું જેમાં બાળકો રમી શકે એવો લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગરીબીના મુદ્દે કૉન્ગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમદાવાદના બોપલ ખાતે યોજાયેલી એક સભામાં તેમણે કહ્યું હતું કે ‘ચાર પેઢીથી ચાંદીનાં ચમચાં લઈને જન્મનારાને ગરીબીની વેદનાની ખબર ન હોય’. અમિત શાહે કૉન્ગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મોદી-મોદીના નારા લાગી રહ્યા છે જેનાથી કૉન્ગ્રેસીઓના પેટમાં ચૂક આવી રહી છે, પરંતુ આ સન્માન કમળનું કે નરેન્દ્ર મોદીનું નથી, પરંતુ ૧૨૫ કરોડ ભારતીયોનું સન્માન છે.

અમિત શાહે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રની ચૂંટણીમાં હું શૌચાલયોના નિર્માણને ઉપલબ્ધી ગણાવતો હતો ત્યારે કૉન્ગ્રેસના મિત્રો મારી મજાક ઉડાડતા હતા કે અમિતભાઈ ટૉઇલેટને ઉપલબ્ધી ગણાવે છે, જ્યારે ૧૬ વર્ષની દીકરી ખુલ્લામાં શૌચાલય જાય છે ત્યારે તેનો આત્મવિશ્વાસ રોજ ચૂરચૂર થાય છે ત્યારે આ દેશના ૧૦ કરોડ લોકોને શૌચાલય આપીને તેમના જીવનને સુધારવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. ચાર-ચાર પેઢીથી ચાંદીનાં ચમચાં લઈને જન્મનારાને ગરીબીની વેદાનની ખબર ન હોય. નરેન્દ્રભાઈએ નાનપણથી ગરીબીની વેદનાનો અનુભવ કર્યો છે એટલે દેશના ૬૦ કરોડ ગરીબોને ઘર, સ્વાસ્થ્ય, બૅન્ક-અકાઉન્ટ ગૅસ મળ્યો છે.

શાહે વિરોધ પક્ષને સવાલ પૂછ્યો હતો કે અમારી ટીકા કરો તેનું સ્વાગત છે, પરંતુ ૫૫ વર્ષ સુધી તમારી ચાર પેઢીએ રાજ કર્યું એમાં દેશના ૫૦ કરોડ લોકોને પાયાની સુવિધા જેવી કે સ્વાસ્થ્ય, મકાન વગેરેથી વંચિત કેમ રાખ્યા? આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકાર આ કામ કરી રહી છે. બે દિવસમાં ગુજરાત સરકાર, જિલ્લાની કચેરીઓ, ઓડા, કૉર્પોરેશન દ્વારા બે દિવસમાં જ ૧૩૦૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે.

અમિત શાહે ૨૦૨૪માં ગાંધીનગરથી ઉમેદવારીના સંકેત આપ્યા

અમદાવાદીઓને ૮૦૦ કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. સાણંદ એપીએમસી ખાતેના કાર્યક્રમમાં ૭૮ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કર્યું હતું. સાણંદમાં એક સાથે ૫૦૦૦થી વધુ વિધવા મહિલાઓને સહાયના હુકમોના વિતરણનો રેકરૅર્ડ આજે બનાવાયો છે, ત્યારે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ વિશેનું સર્ટિફિકેટ અપાયું. અમિત શાહે ૨૦૨૪માં ગાંધીનગર બેઠક પરથી ફરી લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા. તેમણે કહ્યું કે ૨૦૨૪ સુધીમાં ગાંધીનગર સંસદીય વિસ્તારને ઉચ્ચતમ બનાવીશ અને ૨૦૨૪માં ફરીથી ગાંધીનગરની જનતા વચ્ચે આવીશ.

gujarat gandhinagar amit shah ahmedabad