અમદાવાદમાં હવા પ્રદૂષણ વધ્યું, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 254 થયો

13 December, 2019 10:19 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં હવા પ્રદૂષણ વધ્યું, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 254 થયો

પૉલ્યુશન

અમદાવાદ શહેરમાં હવામાં ઠંડક વધતાંની સાથે જ હવામાં પ્રદૂષણની માત્રાનો ઇન્ડેક્સ ૨૫૪ થયો, જે હવા ખરાબ હોવાનું દર્શાવે છે. વહેલી સવારથી શહેરની હવા ખૂબ જ ખરાબ જોવા મળી છે. આંકડા મુજબ શહેરના બોપલમાં ૨૭૩, પીરાણામાં ૩૧૨, ચાંદખેડામાં ૧૯૯ અને નવરંગપુરામાં ૧૯૩ હવા પ્રદૂષણ જોવા મળ્યું છે. પ્રદૂષિત હવાના કારણે શહેરમાં કેટલાક લોકો શ્વાસને લગતી બીમારીઓના શિકાર બન્યા છે.

અમદાવાદમાં ધૂળના રજકણો, વાહનોના ધુમાડા, કન્સ્ટ્રક્શન સાઇટ, ઔદ્યોગિક પ્રદૂષણ સહિતનાં કારણોથી હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. એસજી હાઇવે પર પ્રદૂષણના કારણે સાંજ પહેલાં જ ધુમ્મસની હળવી ચાદર છવાઈ જવાના નજારા જોવા મળ્યા છે. ઠંડીમાં હવાના ઉપરના લેવલનું દબાણ હોવાથી પ્રદૂષણ નીચેની હવામાં સ્થિર થતું હોય છે. પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં અસ્થમાથી પીડાતા લોકોની સંખ્યામાં ૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દઓમાં મોટા ભાગના લોકોની ઉંમર ૨૦થી ૨૫ વર્ષની છે. નાનાં બાળકોમાં પણ અસ્થમાની બીમારી જોવા મળી છે. અમદાવાદમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ છેલ્લાં પાંચ વર્ષમાં ૨૦૦થી વધારે થયો છે ત્યારે ૧૦ વર્ષની આસપાસની ઉંમર ધરાવતાં બાળકોમાં અસ્થમાની બીમારી વધુ જોવા મળી છે.

શહેરને પ્રદૂષણમુક્ત રાખવા ૩૦૦ ઇલેક્ટ્રિક બસોનો તાતાને કૉન્ટ્રૅક્ટ અપાયો

અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણને પહોંચી વળવા માટે વધુ ૩૦૦ ઇલેક્ટ્રિક એસી મીડી બસોના કૉન્ટ્રૅક્ટને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડની ૫૫મી બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં વર્કઑર્ડરને મંજૂરી આપવામાં આવી હતી. માર્ચમાં ટેન્ડર પ્રક્રિયા કરીને તાતા મોટર્સને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં એએમટીએસ ૭૦૦ બસો અને બીઆરટીએસની ૨૫૫ બસોમાં અંદાજે ૮ લાખ લોકો રોજ મુસાફરી કરે છે. ત્યારે પ્રદૂષણમુક્તિ માટે અને ઇકો-ફ્રેન્ડ્લી પરિવહન સેવા બનાવવા માટે શહેરની બીઆરટીએસ જનમાર્ગ માટે ૩૦૦ ઇલેક્ટ્રિક મીડી એસી બસોને ગ્રોસ કૉસ્ટ મૉડલ પર સપ્લાય, ઑપરેશન અને મેઇન્ટેનન્સની ટેન્ડર પ્રક્રિયા બાદ તાતા મોટર્સને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે.

gujarat ahmedabad air pollution