જામનગર, પાલિતાણા અને ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં વધારો

05 October, 2019 09:27 AM IST  |  અમદાવાદ

જામનગર, પાલિતાણા અને ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં વધારો

એક્સપ્રેસ ટ્રેન

દિવાળીના તહેવારમાં ટ્રેનમાં પોતાના વતન જવા માગતા અને વતનથી પાછા ફરવા માગતા મુંબઈગરા ગુજરાતીઓ સહિતના નાગરિકો માટે રાહતના સમાચાર છે. જામનગર, પાલિતાણા, ભાવનગર અને ભુજ માટે બાંદરા અને દાદરથી ઊપડતી અને પાછી આવતી એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ જોડાયા છે. પ્રવાસીઓની સુવિધા અને વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અસ્થાયી રૂપે વિવિધ ૩૦ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન-નંબર ૧૯૨૧૭ અને ૧૯૨૧૮ બાંદરા ટર્મિનસ–જામનગર એક્સપ્રેસમાં વધારાનો એક થ્રી ટિયર એસી કોચ જોડવામાં આવશે, જે ૧ નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે જામનગરથી બાંદરા ટર્મિનસ સુધીની ટ્રેનમાં બીજી નવેમ્બર સુધી વધારાનો કોચ જોડવામાં આવશે.

ટ્રેન-નંબર ૨૨૯૩૫ અને ૨૨૯૩૬ બાંદરા ટર્મિનસ–પાલિતાણા એક્સપ્રેસમાં વધારાનો એક થ્રી ટિયર એસી તથા સ્લીપર કોચ જોડવામાં આવશે. આ વધારાનો કોચ બાંદરા ટર્મિનસથી ગઈ કાલથી શરૂ થયો છે જે ૨૫ ઑક્ટોબર સુધી તથા પાલિતાણાથી આજથી ૨૯ ઑક્ટોબર સુધી જોડવામાં આવશે.

ટ્રેન-નંબર ૧૨૯૭૧ અને ૧૨૯૭૨ બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસમાં વધારાનો એક થ્રી ટિયર એસી કોચ જોડવામાં આવશે. આ વધારાનો કોચ બાંદરા ટર્મિનસથી ગઈ કાલથી જોડાયો છે જે ૩ નવેમ્બર સુધી તથા ભાવનગરથી ૧ ઑક્ટોબરથી જોડાયો છે જે ૩૧ ઑક્ટોબર સુધી જોડવામાં આવશે.

ટ્રેન-નંબર ૨૨૯૫૫ અને ૨૨૯૫૬ બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસમાં વધારાનો એક થ્રી ટિયર એસી કોચ જોડવામાં આવશે. આ વધારાનો કોચ બાંદરા ટર્મિનસથી બીજી ઑક્ટોબરથી જોડાયો છે જે ૧ નવેમ્બર સુધી જોડાશે તથા ભુજથી ૧ ઑક્ટોબરથી જોડાયો છે જે ૩૧ ઑક્ટોબર સુધી જોડવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સિંહોની સંખ્યા 650ને પાર

ટ્રેન-નંબર ૧૯૧૧૫ અને ૧૯૧૧૬ દાદાર–ભુજ સયાજીનગરી તવી એક્સપ્રેસમાં વધારાનો એક થ્રી ટિયર એસી કોચ જોડવામાં આવશે. આ વધારાનો કોચ દાદરથી બીજી ઑક્ટોબરથી જોડાયો છે જે ૧ નવેમ્બર સુધી જોડાયેલો રહેશે તથા ભુજથી ૧ ઑક્ટોબરથી જોડાયો છે જે ૩૧ ઑક્ટોબર ૨૦૧૯ સુધી જોડવામાં આવશે.

gujarat ahmedabad