સરકાર બૅકફુટ પરઃ બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાશે

17 October, 2019 08:51 AM IST  |  ગાંધીનગર

સરકાર બૅકફુટ પરઃ બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાશે

પ્રતીકાત્મક તસવીર

બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા રાતોરાત રદ કરીને શૈક્ષણિક લાયકાત ૧૨ પાસથી વધારીને ગ્રૅજ્યુએટ કરી દેવાયા બાદ ભડકેલા વિવાદ પછી હવે સરકારની આંખો ખૂલી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે પત્રકાર- પરિષદમાં જાહેરાત કરી હતી કે સરકાર આ મામલે પ્રજાની લાગણીને જોતાં આ પરીક્ષામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફારનો પોતાનો નિર્ણય પરત ખેંચી રહી છે.

પરીક્ષાની નવી તારીખ જાહેર કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે ૧૭ નવેમ્બર, ૨૦૧૯ના આ પરીક્ષા ફરી જૂના ફૉર્મેટમાં લેવાશે. જે ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં એ તમામ ૧૨ પાસ કે ગ્રૅજ્યુએટ ઉમેદવારો આ પરીક્ષામાં બેસી શકશે. રાજ્યમાં ૩૧૭૧ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે.

મહત્ત્વનું છે કે બિનસચિવાલય ક્લર્કની ૩૭૭૧ પદોની ભરતી માટે સરકારે અગાઉ ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત રાખી હતી. જોકે ૨૦ ઑક્ટોબરે પરીક્ષા લેવાય એના થોડા કલાકો પહેલાં જ પરીક્ષા રદ થઈ હોવાની જાહેરાત કરાઈ હતી અને એની શૈક્ષણિક લાયકાત પણ ૧૨ પાસથી વધારીને ગ્રૅજ્યુએટ કરી દેવાઈ હતી. આ મામલે ખાસ્સો હોબાળો મચ્યો હતો.

શૈક્ષણિક લાયકાત વધારાતાં લાખો ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાથી વંચિત રહી જાય એમ હતું, જેને લઈને જોરદાર વિરોધ શરૂ થયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સચિવાલય પ્રદર્શન કરવા પણ પહોંચ્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ આ મામલે લોકોએ વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું. જો નેતાઓને ચૂંટણી લડવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત ન હોય તો ક્લર્ક જેવી સરકારી નોકરી માટે કેમ ગ્રૅજ્યુએશનની લાયકાત રખાઈ રહી છે?

આ પણ વાંચો : ગીરમાં સિંહદર્શન શરૂ

આ સમગ્ર ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા આસિત વોરાના જણાવ્યા અનુસાર જે ઉમેદવારોએ કૉલ લેટર ડાઉનલોડ કર્યા છે એ અનુસાર જ તેમને અગાઉના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે. જેમણે કૉલ લેટર ડાઉનલોડ નથી કર્યા તેઓ પણ આજે કૉલ લેટર ડાઉનલોડ કરી શકશે.

gujarat gandhinagar