નહીં થાય ઓનલાઈન વોટિંગ, અફવાઓથી સાવધાન

03 April, 2019 05:43 PM IST  |  અમદાવાદ

નહીં થાય ઓનલાઈન વોટિંગ, અફવાઓથી સાવધાન

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવા જઈ રહ્યું છે. તો ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. રાજ્યમાં મતદાનને આડે માત્ર 20 દિવસનો સમય બચ્યો છે. ત્યારે તમે તમારા મતવિસ્તાર અંગે માહિતી મેળવી લીધી હશે. પરંતુ કેટલાક મતદારો એવા પણ હશે જે પોતાના વતનથી દૂર હશે. જેમના માટે નોકરી ધંધા છોડીને મત આપવાનું કદાચ શક્ય નહીં બને.

આ પ્રકારના મતદારોના મત એળે જશે. ત્યારે જો તમે પણ આવા મતદાર હો તો તમે ક્યારેક વિચાર્યું હશે, કે સરકાર બધું જ ડિજટલી કરી રહી છે તો વોટિંગ પણ ઓનલાઈન થાય તો કેવું સારું ? અને સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારના મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો ચેતજો. કારણ કે ઓનલાઈન વોટિંગની સિસ્ટમ અસ્તિત્વમાં નથી. જી હાં, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ એવી કોઈ સિસ્ટમ નથી બનાવી જેનાથી મતદારો ઓનલાઈન વોટિંગ કરી શકે.

ખુદ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે ખુલાસો કર્યો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી-૨૦૧૯માં ઓનલાઈન વોટિંગની કોઈ વ્યવસ્થા નથી. કોઈ અફવા કે અપપ્રચાર થી મતદારોએ ગેરમાર્ગે દોરાવું નહીં. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા જણવા માટે મતદારો મોટી સંખ્યામાં હેલ્પલાઈન 1950 અને સીવીજિલ એપ પર સવાલો પૂછી રહ્યા હતા.

gujarat news Election 2019