કોંગો ફીવર ફેલાવી રહ્યો છે મોતનો પંજો, 7 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત

08 September, 2019 03:01 PM IST  |  વડોદરા

કોંગો ફીવર ફેલાવી રહ્યો છે મોતનો પંજો, 7 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત

રાજ્યમાં જીવલેણ કોંગો ફીવરના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે વડોદરામાં કોંગો ફીવરના કારણે શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષના બાળકનું કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણોને કારણે મોત થયું છે. જો કે હજી સુધી બાળકના મોતનું કારણ કોંગો જ છે કે કેમ તે જાણી નથી શકાયું. આ બાળક ખંભાત તાલુકાના ખેડા તળાવ ગામનો વતની હતો.

મળતી માહિતી પ્રમાણે મૃતકનો પરિવાર ખેતી કરે છે. પરિણામે તેમના ઘર પાસે પશુઓ પણ બાંધવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોંગો ફીવર પશુઓમાં રહેલા જંતુઓથી ફેલાય છે. અને પશુની નજીક રહેતા લોકોને આ બીમારી થવાની શક્યતા વધુ છે. કોંગો ફીવરને કારણે શંકાસ્પદ મોત બાદ ગોત્રી હોસ્પિટલ સજ્જ બની છે. હોસ્પિટલમાં કોંગો ફીવર માટેની ખાસ દવા રિબાવીરીનો સ્ટોક કરી લેવાયો છે.

તો બાળકના મોતનું કારણ જાણવા માટે લોહીના નમૂના મોનાની વાયરોલોજીકલ લેબને મોકલાયા છે. બાળકનો પરિવાર આણંદનો હોવાને કારણે આણંદ આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી કોંગોને કારણે 5 લોકના મોત થઈ ચૂક્યા છે. જો મૃતક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો આંકડો છ પર પહોંચશે. રાજ્યમાં કોંગો પોતાનો મોતનો પંજો ફેલાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

કોંગો ફીવરના શંકાસ્પદ મોતને કારણે રાજ્યના નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં કોંગો ફીવર માટેનો જથ્થો પૂરતો હોવાની માહિતી અપાઈ છે.

vadodara news