વડલા માટે હૉસ્પિટલનું આખું પ્લાનિંગ જ ચેન્જ કરાવ્યું ‌વિજય રૂપાણીએ

01 July, 2019 08:29 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

વડલા માટે હૉસ્પિટલનું આખું પ્લાનિંગ જ ચેન્જ કરાવ્યું ‌વિજય રૂપાણીએ

રાજકોટના હૉસ્પિટલ ચોકમાં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી જનાના હૉસ્પિટલના માસ્ટર પ્લાનમાં ચેન્જ કરવામાં આવ્યો અને એ પણ એક ઝાડને કારણે, એના વિશે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાત કરી હતી. રાજકોટની જનાના હૉસ્પિટલ નામની ગવર્નમેન્ટ મૅટરનિટી અને ગાયનેક હૉસ્પિટલનું રિનોવેશન શરૂ થવાનું હતું જેમાં હૉસ્પિટલના કૅમ્પસમાં આવેલું ૧૦૦ વર્ષ જૂનું વડનું ઝાડ કાપી નાખવાનું હતું, જો ઝાડ કાપવામાં આવે તો હૉસ્પિટલની પહોળાઈ મોટી થતી હતી. આ નવી હૉસ્પિટલ ૮ માળની બનવાની હતી, પણ જ્યારે એની ખબર વિજય રૂપાણીને પડી ત્યારે તેમણે એ વડલો કાપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને નવો પ્લાન બનાવવાની સૂચના આપી. વીસથી બાવીસ દિવસના અંતે આ નવો પ્લાન તૈયાર થયો, જેમાં હૉસ્પિટલની પહોળાઈ ટૂંકાવીને વડલો બચાવી લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જ્યારે કપાયેલી પહોળાઈને હાઇટ વધારીને સરભર કરવામાં આવી હતી. આ નવા પ્લાનને માન્ય રાખવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ડાંગના થોરપાડાથી IIT દિલ્હી સુધી...

વડલાને બચાવવા જતાં હવે હૉસ્પિટલ ૮ને બદલે ૧૧ માળની બનશે. માળ વધવાને કારણે હૉસ્પિટલના બાંધકામમાં પણ ખર્ચ વધશે તો પ્લાન બીજી વાર બનાવવો પડ્યો અને એની પણ લાખો રૂપિયાની વધારાની ફી ચૂકવવામાં આવી. ગુજરાત સરકારે આ લાખો રૂપિયાનું નુકસાન સહન કરીને પણ પર્યાવરણનું રક્ષણ કરવાની બાબતમાં એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું એવું ૧૦૦ ટકા કહી શકાય.

gujarat rajkot news Vijay Rupani